ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર
અડધો શિયાળો વીતી ગયો હોવા છતાં આ વર્ષે વરસાદ કેડો મુકતો નથી. મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ દિવસમાં ફરી કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતાને લીધે ફરી ઠંડીનો ચમકારો દેખાશે. મુંબઈમાં ગઈ કાલે મિનિમમ તાપમાન 18થી 20 ડિગ્રી તો મૅક્સિમમ તાપમાન 28 થી 30 ડિગ્રી જેટલું રહ્યું હતું. એમાં આવતી કાલે એકથી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસ થાણે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના પુણે, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે આ તમામ વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડી વધી શકે છે. બીજી તરફ ઉત્તર મહારાષ્ટ્રમાં પહેલેથી જ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં વિદર્ભના વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો થતાં અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની શક્યતા છે અને હવે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી મુંબઈના તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં બુધવારે કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝ વેધશાળામાં મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ ગુરુવારે તેમાં ઘટાડો નોંધાયો હતો.