ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈમાં આજે કોરોનાએ પાછળના તમામ દિવસનો રેકોર્ડ તોડ્યો છે. માયાનગરી તરીકે ઓળખાતા મુંબઈમાં આજે કોરોનાના રેકોર્ડબ્રેક 15,166 કેસ નોંધાયા છે અને 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. નવા કેસોમાંથી 87 ટકા એસિમ્પ્ટોમેટિક છે. છેલ્લા 24 કલાકમાં 1,218 કોવિડ-19 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 80 ઓક્સિજન સપોર્ટ પર છે. મુંબઈમાં કેસ બમણો થવાનો દર 89 દિવસનો છે.
છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોનાના કેસ વિક્રમજનક આવી રહ્યા છે. મુંબઈમાં ગઈકાલે કોરોનાના 10,860 કેસ નોંધાયા હતા અને આજે આંકડો સીધો 15,000 પર પહોંચી ગયો છે આ રીતે એક દિવસમાં 39 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. જે રીતે મુંબઈમાં કોરોનાના કેસ આવી રહ્યાં છે તે જોતા લાગે છે કે મુંબઈમાં ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકર જણાવી ચૂક્યા છે કે દૈનિક કેસનો આંકડો 20,000ને પાર જશે તો મુંબઈમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક દિવસના કેસનો આંકડો જોતા લાગી રહ્યું છે મુંબઈ હવે લોકડાઉન તરફ જઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના અને ઓમિક્રોન કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, મુંબઈએ જાહેર સ્થળો, શાળાઓ, કોલેજોમાં નિયંત્રણો પહેલાથી લગાવી દીધા છે. શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, સમુદ્રના ચહેરા, સહેલગાહ, ઉદ્યાનો અને અન્ય જાહેર સ્થળો સાંજે 5થી સવારના 5 વાગ્યા સુધી લોકો માટે બંધ કરવામાં આવ્યા છે.