ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
એક તરફ મુંબઈમાં ઓમીક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ મુંબઈમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કોરોનાના કેસ પણ સતત વધી રહ્યા છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના કહેવા મુજબ આગામી સમયમાં કોરોનાના કેસની સાથે જ ઓમીક્રોનના કેસમાં વધારો થવાની ભારોભાર શક્યતા છે. તેથી જ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાની સાથે જ પાલિકા યંત્રણા એલર્ટ થઈ ગઈ છે.
પાલિકાના આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અમેરિકા, યુરોપીયન દેશ સહિત અન્ય દેશોમાં ઓમીક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. તે મુજબ આગામી સમયમાં મુંબઈમાં પણ ઓમીક્રોનના કેસ વધવાનું જોખમ છે. આગામી બે મહિનામાં ઓમીક્રોનના કેસ હજુ વધશે. ઓમીક્રોનના અત્યાર સુધીના મોટાભાગના કેસમાં લક્ષણો વગરના દર્દી નોંધાયા છે. તેથી લક્ષણો વગરના અસિમ્પ્ટેટિક દર્દીઓ માટે 40,000 બેડ્સની તૈયારી રાખી છે. તો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે અલગથી 30,000 બેડસની વ્યવસ્થા કરવામાં આવી છે.
છેલ્લા ચાર પાંચ દિવસથી કોરોના કેસમાં હળવો વધારો જણાઈ રહ્યો છે. 22 ડિસેમ્બર બુધવારના કોરોનાના 490, 21 ડિસેમ્બર, મંગળવારના 327, 20 ડિસેમ્બર, સોમવારના 204 અને 19 ડિસેમ્બર ના રવિવારે 336 કેસ નોંધાયા હતા. આગામી સમયમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીથી લઈને નવા વર્ષની ઉજવણીને કારણે કોરોના કેસ વધી શકે છે, તેમા પાછું ઓમીક્રોનનું સંકટ માથા પર છે. તેથી પાલિકા યંત્રણા સર્તક થઈ ગઈ છે