ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર 2021
બુધવાર.
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ રેલવેની મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો, જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે, તેઓ હવે રેલવેની યૂટીએસ (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) એપ દ્વારા પણ સિંગલ ટિકિટ અને મંથલી પાસ મેળવી શકશે.
પ્રાપ્ત જાણકારી મુજબ UTS એપને રાજ્ય સરકારની યુનિવર્સલ પાસ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. પરિણામે, મુસાફરોને ટિકિટની કતારમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે અને હવે મુસાફરો UTS એપ પરથી ટિકિટ અને પાસ કાઢી શકશે. ટિકિટ કે પાસ લેવા માટે મુસાફરોને હવે ટિકિટ બારી પર જવું પડશે નહીં. આજથી આ સેવા શરૂ કરવામાં આવી છે.
મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ મીડિયાને કહ્યું કે જે વ્યક્તિઓએ રસીના બંને ડોઝ લીધા છે અને છેલ્લો ડોઝ આપ્યાના 14 દિવસ પૂરા કર્યા છે, તેઓએ રાજ્ય સરકારનો સાર્વત્રિક પાસ મેળવવો પડશે જે રસીકરણની સ્થિતિની ચકાસણી બાદ આપવામાં આવશે. સાથે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે બંને સિસ્ટમને જોડવાથી મુસાફરોને મોટી રાહત થશે અને રેલવે ટિકિટ કાઉન્ટર પરની કતારોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારે માસિક પાસ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપી હતી. એટલે કે લોકોએ એક દિવસની મુસાફરી માટે પણ મંથલી પાસ કઢાવવો પડતો હતો. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જે બાદ સરકારે મુસાફરી માટે ફરજિયાત માસિક પાસ રદ્દ કર્યો હતો. જેનાથી મુસાફરોને રાહત મળી હતી.