ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
બહુ જલદી મુંબઈગરાનો લોકલ ટ્રેનનો પ્રવાસ વધુ ઠંડો અને સુવિધાજનક થવાનો છે. વેસ્ટર્ન રેલવેમાં એસી લોકલની સંખ્યા વધારવામાં આવવાની છે. તેમ જ સિંગલ જર્નીના ટિકિટના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવવાનો છે.
વેસ્ટર્ન રેલવેમાં ચાર વર્ષ પહેલા એટલે કે 25 ડિસેમ્બર 2017ના પહેલી એરકંડિશન્ડ ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. હવે વેસ્ટર્ન રેલવે વધુ આઠ એસી સર્વિસ શરૂ કરવાની છે, તેને પગલે પ્રતિ દિન એસી ટ્રેનની 20 સેવા પ્રવાસીઓને ઉપલબ્ધ થશે.
કોરોના મહામારી પહેલા એસી ટ્રેનમાં દરરોજ 20,000 પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. હવે વિરારથી ચર્ચગેટ વચ્ચે વધુ 8 સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવવાની છે. જેમાંથી અમુક સેવા ગોરેગામ, બોરીવલી અને નાલાસોપારા સુધીની રહેશે.
મુંબઈ ડિવિઝને વેસ્ટર્ન રેલવેના મુખ્યાલયને તેનો પ્રસ્તાવ મોકલી દીધો છે. બહુ જલદી તેના પર નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. આ સેવા સવાર અને સાંજના પીક અર્વસમાં દોડાવવાની યોજના છે. આઠ સર્વિસમાંથી એક સર્વિસ ચર્ચગેટ-ગોરેગામ-ચર્ચગેટ વચ્ચે, બે સર્વિસ ચર્ચગેટ-બોરીવલી-ચર્ચગેટ વચ્ચે, એક સર્વિસ ચર્ચગેટ-વિરાર-ચર્ચગેટ વચ્ચે સવાર-સાંજના પીકઅવર્સમાં દોડશે. તો સાંજના પીક અવર્સમાં નાલાસોપારાથી ચર્ચગેટ માટે ટ્રેન દોડાવાશે. હાલ વેસ્ટર્ન રેલવે પાસે 6 એસી રેક છે, જેમાંથી બે રેક દિવસના 12 સર્વિસ આપે છે.
એ સિવાય સેકેન્ડ ક્લાસ અને ફર્સ્ટ કલાસ ટિકિટ હોલ્ડરને એસી ટ્રેનમાં વધારાનું ભાડું ચૂકવીને પ્રવાસ કરવાની મંજૂરી આપવાની પણ રેલવેની યોજના છે.