ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
મુંબઈમાં ઉપરાઉપરી હાઈરાઈઝ ઈમારતમા આગના બે બનાવ બન્યા છે. મુંબઈમાં દિવસેને દિવસે ગગનચૂંબી ઈમારતોની સંખ્યા વધી રહી છે. આજુબાજુનો અદભૂત નજારો જોવા મળતો હોવાથી લોકો પણ ઉપરના માળા પર રહેવાનું પસંદ કરે છે. જોકે આવી ઊંચી ઈમારતો આગ જેવી દુઘર્ટનાનો સામનો કરવામાં ફાયરબ્રિગેડની સાથે જ રહેવાસીઓ ઊણા ઉતર્યા છે. ફાયરબ્રિગેડ પાસે 30માળાથી ઉપર જવા માટે કોઈ સાધન નથી. તેથી રહેવાસીઓ આગ જેવી દુઘર્ટના દરમિયાન બિલ્ડિંગમાં રહેલી ફાયર સેફટી સિસ્ટમના આશરે જ રહેવું પડવાનું છે.
પખવાડિયા પહેલા કરી રોડના 60માળાના અવિધ્ન પાર્કમાં 19મા માળા પર આગ લાગી હતી. જેમાં ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા સિક્યોરિટી ગાર્ડનું મોત થયું હતું. આગમાં આખો ફલેટ બળીને ખાખ થઈ ગયો હતો. બિલ્ડિંગમાં ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ નહોતી કરતી. તો ડેવલપરના દાવા મુજબ ફલેટમાં ગેરકાયદેરીતે ફેરફાર કર્યો હોવાથી આગ સામેની યંત્રણા કામ કરતી નહોતી. તો શનિવારનો કાંદિવલીનો બનાવ પણ હજી તાજો છે. મથુરાદાર રોડ પર આવેલી 14માળાની હંસા હેરિટેજમાં પણ ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરતી ન હોવાનું જણાયું છે.
એક તો ફાયરબ્રિગેડ પાસે 30માળાથી ઉપર જવા માટે કોઈ સાધન નથી. તેમાં પાછુ મોટાભાગની હાઈરાઈઝ ઈમારતમાં ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરતી નથી. તેથી આવી ઈમારતોમાં રહેનારા હવે ભગવાન ભરોસે જ થઈ ગયા છે. ત્યારે રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ મળેલી માહિતી મુજબ મુંબઈમાં 2008થી 2020 સુધી આગના કુલ 57,540 બનાવ બન્યા હતા. જેમાંથી આ સમયગાળા દરમિયાન હાઈરાઈઝ બિલ્ડિંગમાં 1,568 આગની ઘટના બની હતી, જેમા 680 લોકોના મોત થયા હતા. તો 90 કરોડ રૂપિયાની માલમત્તાને નુકસાન થયું હતું. ફાયરબ્રિગેડે આવી ગગનચૂંબી ઈમારતોની આગ બુઝાવવા માટે ઊંચી સીડી મેળવવી આવશ્યક છે. હાલ ફાયરબ્રિગેડ પાસે 22 માળ અથવા 70 મીટર સુધી પહોંચી શકાય તેવી જ વ્યવસ્થા છે. હવે મુંબઈમાં જોકો 70મીટરથી ઊંચી બિલ્ડિંગ બનવું સામાન્ય થઈ ગયું છે.
છેલ્લા પાંચ વર્ષમાં 24થી 70 મીટર ઊંચી 275 બિલ્ડિંગ ઊભી થઈ છે. એમાંથી લગભગ 35 બિલ્ડિંગ 70મીટરથી પણ ઊંચા છે. હાલ 168 બિલ્ડિંગ 70 મીટરથી ઊંચા છે, જેમા અમુક 300 મીટર જેટલા ઊંચા છે. આગામી બે-ત્રણ વર્ષમાં લગભદ 1,500 બિલ્ડિંગ 24થી 70 મીટર જેટલા ઊંચા હશે. તો 12 બિલ્ડિંગ50થી 300 મીટર એટલે કે 90માળા જેટલા ઊંચા હશે. આટલી ઊંચાઈએ પહોંચવું ફાયર બ્રિગેડના ગજા બહારની વાત છે.
મુંબઈ ફાયરબ્રિગેડના ઓફિસરના કહેવા મુજબ તેમની પાસે હાલ 30 મીટર ને 90 મીટર એટલે 30 માળા સુધી પહોંચે એવી સીડી છે. પરંતુ મુંબઈની ટ્રાફિકની સમસ્યાને પગલે દુઘર્ટના સમયે તે સમયસર પહોંચે તે મહત્તવનું છે. એ સિવાય બિલ્ડિંગ જે વિસ્તારમાં છે ત્યાં કમ્પાઉન્ડમાં જગ્યા ઓછી હોય તો ફાયરબ્રિગેડના વાહનોને ત્યાં લઈ જવું મુશ્કેલ થાય છે. આગામી દિવસમાં વધુ ઊંચા મકાનો બનશે એટલે તકલીફ હજી વધવાની છે.