ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈગરા અત્યારે ઑકટોબર હીટથી પરેશાન છે. એનું કારણ હવામાન પરિવર્તન તો છે, પરંતુ મુંબઈમાં બાંધકામ કાર્યોને લીધે પણ ગરમી વધી છે. વિકાસ કાર્યો માટે કપાતાં વૃક્ષો અને ગાયબ થતાં જંગલોને લીધે ગરમીનું પ્રમાણ વધ્યું છે. શહેરનાં સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.
પર્યાવરણ માટે કામ કરનારી 3 સંસ્થાઓના સંશોધકોની ટીમે આ વિશે અભ્યાસ કર્યા બાદ તારણ આપ્યું છે કે શહેરમાંથી હરિયાળી લુપ્ત થઈ રહી છે અને બાંધકામનાં કાર્યોને લીધે તાપમાન વધી રહ્યું છે. ભૂમિ ઉપયોગની બદલતી પદ્ધતિઓ અને અર્બન હીટ આઇલૅન્ડની અસરથી વર્ષ 1991થી 2018 દરમિયાન મુંબઈના સરેરાશ તાપમાનમાં 2.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન મુંબઈમાં 81% વૃક્ષ-વનસ્પતિ વગરનાં ખુલ્લાં ક્ષેત્રો હતાં. એમાંથી 40% હરિત ક્ષેત્ર અને તેના જળ સ્રોતોનો લગભગ 30 ટકા હિસ્સો લુપ્ત થઈ ગયો છે. આ જ સમય દરમિયાન બાંધકામ ક્ષેત્રમાં 66% ટકા વૃદ્ધિ થઈ છે. 27 વર્ષ દરમિયાન મુંબઈનગરીનું સરેરાશ તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે અને હજી પણ વધશે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્ન્મેન્ટ આર્કિટેક્ચર ઍન્ડ રિસર્ચના અધ્યક્ષ ડૉ. રોશની યેહુદાએ જણાવ્યું હતું કે અર્બન હીટ આઇલૅન્ડની અસર ઇમારતો અને રસ્તાઓ કે ખુલ્લી જગ્યા ઉપર સિમેન્ટ, સ્ટીલ અને કાચ જેવી સામગ્રીઓના ઉપયોગમાં વૃદ્ધિને લીધે પેદા થાય છે.
