ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
દેશમાં ત્રીજી લહેરના જોખમની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તેનો સામનો કરવા મુંબઈ મહાનગરપાલિકા સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે, તો સાથે જ વેક્સિનેશનની ઝુંબેશને પણ ઝડપી બનાવી રહી છે. દિવાળી સુધીમાં તમામ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવશે. નિયમ પ્રમાણે 84 દિવસ પૂરા થયા બાદ ફેબ્રુઆરી 2022 સુધીમાં બીજો ડોઝ આપવામાં આવશે. એથી ફેબ્રુઆરી 2022 સુધીમાં તમામ મુંબઈગરાના વેક્સિનના બંને ડોઝ પૂરા થઈ જશે એવો દાવો પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કર્યો છે.
મુંબઈમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી. 18 વર્ષથી ઉપરના 95 લાખ લાભાર્થી છે. એમાંથી 79,87,510 લોકોનો પહેલો ડોઝ તો 38,98,000 લોકોના બંને ડોઝ થઈ ગયા છે. કોરોનાના દર્દીની સંખ્યા ઘટી રહી છે, છતાં ત્રીજી લહેરનું જોખમ ટળ્યું નથી. એથી વેક્સિનેશનનું કામ ઝડપી રીતે પાલિકા પૂરું કરવા માગે છે. બીજા ડોઝ માટે ખાસ ઝુંબેશ ચલાવે છે અને મહિલાઓ માટે પણ બે વખત વેક્સિનેશન રાખવામાં આવ્યું હતું. એમાં બે દિવસમાં લગભગ બે લાખથી વધુ મહિલાઓએ વેક્સિન લીધી હતી.