ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
રસ્તા પરના ફૂડસ્ટૉલ પર ખાવા જતાં પહેલાં પોતાના સ્વાસ્થ્યનો વિચાર કરી લેજો. કારણ કે ભારતીય અન્ન સુરક્ષા અને માનક પ્રાધીકરણ (FSSI)એ ધારાવીમાં છાપા મારીને આરોગ્યને હાનિકારક એવા ખાદ્ય તેલના વેચાણના રૅકેટનો ખુલાસો કર્યો છે. આ તેલ રેકડીઓ અને હૉટેલોમાં વેચાતું હોવાની શંકા છે.
ખાદ્ય તેલનો વપરાશ ત્રણ વખત જ થઈ શકે ત્યાર બાદ તે ખાવા યોગ્ય રહેતું નથી. આવું તેલ અલ્ઝાઇમર, હૃદયરોગ, હાયપરટેન્શન જેવી બીમારીઓને નોતરે છે. નિયમ પ્રમાણે દિવસે ૫૦ લિટર તેલનો વપરાશ કરનારા ખાદ્ય પદાર્થના વિક્રેતાઓએ ત્રણ વખત તેલ વાપરી લીધા બાદ આ તેલને સાબુ અને બાયોડીઝલ બનાવનારી કંપનીઓને આપવું ફરજિયાત છે. ૫૦ લિટરથી ઓછું તેલ વાપરનારા વિક્રેતાઓએ ત્રણ વખત વપરાયેલા તેલનો ખાવામાં ઉપયોગ ન થાય તેની ખબરદારી લેવી આવશ્યક છે.
મુંબઈના નાગરિકો દૂષિત પાણીથી હેરાન છે અને પાલિકાનો દાવો છે કે એક ટકાથી ઓછું પાણી દૂષિત
આ નિયમનું પાલન થાય છે કે નહીં એ તપાસવા માટે FSSI દ્વારા ૨થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન એક ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ પાસેથી તેલ લઈને સાબુ/ બાયોડીઝલ બનાવનારી કંપનીને તેલ પહોંચાડનારી ધારાવીની બે કંપનીઓ ઉપર છાપે મારી થઈ છે. આ કંપનીઓ સાબુ અને બાયોડીઝલની કંપની અને તેલ પહોંચાડવાને બદલે રસ્તા પરના ફૂડ સ્ટૉલ, ચાઇનીઝ સ્ટૉલવાળા, હાથગાડી અને નાની હૉટેલોમાં વેચી રહી હોવાની શંકા છે. હવે FDA અને FSSI દ્વારા આ કેસમાં વધુ તપાસ થશે.