ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકાના વૉર્ડમાં વિકાસ કાર્યો માટે વર્ષ દરમિયાન કૉન્ટ્રૅક્ટરોની નિમણૂક કરવામાં આવે છે. એમાં ગોટાળા થવાને કારણે ઑનલાઇન ટેન્ડર પ્રક્રિયા દ્વારા કૉન્ટ્રૅક્ટર નિયુક્ત કરવાની પ્રક્રિયા પાલિકાએ શરૂ કરી છે. એમાં પણ કૉન્ટ્રૅક્ટરોએ કરોડો રૂપિયાના ગોટાળા કર્યા હતા. એમાં પાલિકાએ અધિકારીઓ પાસેથી ફક્ત 1500 રૂપિયા દંડ વસૂલીને સાવ મામૂલી કાર્યવાહી કરી છે. ઑનલાઇન ટેન્ડર પ્રક્રિયામાં 3 વર્ષ પહેલાં 100 કરોડના થયેલા ગોટાળામાં 50 અધિકારીઓ અને એન્જિનિયરોને સજા થઈ હતી. બાકી રહી ગયેલા 13માંથી એક અધિકારીનું મૃત્યુ થયું. હવે 12 અધિકારીઓ ઉપર ગંભીર કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાની આ ગંભીર કાર્યવાહીનો સ્તર એવો છે કે જેમાં 9 અધિકારીઓના પેન્શનમાંથી દોઢથી ચાર હજાર રૂપિયા કાયમી સ્વરૂપે અને ત્રણ અધિકારીઓના પેન્શનમાંથી માત્ર એક જ વાર દોઢથી સાડાત્રણ હજાર રૂપિયા કાપવામાં આવશે. ઑનલાઇન ટેન્ડર પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી ટેક્નિકલ સમસ્યાઓનો ફાયદો ઉઠાવીને કૉન્ટ્રૅક્ટરોએ ગોટાળા કર્યા હતા. ઑનલાઇન પદ્ધતિમાં ફેરફાર કરીને અધિકારીઓએ પોતાની સગવડ મુજબના સમયે ટેન્ટર ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. કૉન્ટ્રૅક્ટરે ટેન્ડર ભર્યા બાદ મુદત પહેલાં જ આ પ્રક્રિયા બંધ કરી તો અમુક કેસમાં પરોઢે, મધરાતે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરીને કલાકમાં જ આ પ્રક્રિયા બંધ કરી હતી. ઑનલાઇન સિસ્ટમમાં સમય અને તારીખ પણ બદલી નાખવામાં આવી હતી.