ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોના કૅચમેન્ટમાં બુધવારથી વરસાદ ચાલુ થયો છે. શુક્રવારે સવારનાં સાતેય જળાશયોમાં 12,35,243 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક જમા થયો હતો, જે 320 દિવસ ચાલે એટલું પાણી છે. એટલે કે આવતા ચોમાસા સુધી મુંબઈની પાણીની ચિંતા ટળી ગઈ છે. હાલ સાતેય જળાશયોમાં 85.34 ટકા પાણીનો સ્ટૉક જમા થઈ ગયો છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં 12,62,119 મિલિયન લિટર જેટલું પાણી હતું.
મુંબઈને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાત જળાશયમાંથી પાણીનો પુરવઠો પૂરો પડાય છે. મુંબઈગરાને આખું વર્ષ પાણીકાપ વગર પાણીનો પુરવઠો પૂરો પાડવા પહેલી ઑક્ટોબરના જળાશયમાં 14,63,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હોવો જોઈએ.
મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયમાંથી તુલસી 16 જુલાઈ, વિહાર 18 જુલાઈ, મોડક અને તાનસા 22 જુલાઈના ભરાઈને છલકાઈ ગયાં હતાં. વચ્ચે લગભગ પખવાડિયું જેટલો સમય વરસાદ ગાયબ થઈ ગયો હતો.જોકે બે દિવસથી ફરી વરસાદી માહોલ સર્જાયો છે. જળાશયોના કૅચમેન્ટ એરિયામાં નવા વરસાદી પાણીની આવક થઈ રહી છે. એથી આગામી દિવસમાં જળાશયોમાં પાણીનો સ્ટૉક વધશે. તેમ જ બાકીનાં મોટાં તળાવ પણ જલદી ભરાઈ શકે એવી અપેક્ષા પાલિકાના પાણીપુરવઠા ખાતાએ વ્યક્ત કરી હતી.