ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જૂન 2021
શનિવાર
મુંબઈમાં 14 ટકા સુધીનો પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવાનો મુંબઈ મહાનગરપાલિકાના નિર્ણયનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં જ હવે મુંબઈ પાલિકાએ વૉટર ટૅક્સમાં 8 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. પાલિકાના આ પ્રસ્તાવનો જોકે પાલિકાની સત્તાધારી પાર્ટી શિવસેનાએ વિરોધ કર્યો છે. મુંબઈમાં કોઈ પણ પ્રકારના કરવેરા વધારવા દેવામાં આવશે નહીં, એવી ચીમકી પણ શિવસેનાએ આપી છે.
સ્થાયી સમિતિમાં પાલિકા પ્રશાસન પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવાની સાથે જ વૉટર ટૅક્સમાં 8 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ પણ લાવી હતી. પાલિકાને કોરોનાને પગલે ખર્ચામાં ભારે વધારો થયો છે એથી ખર્ચાને પહોંચી વળવા ટૅક્સમાં વધારો કરવાનું આવશ્યક હોવાની રજૂઆત કરી હતી. જોકે સ્થાયી સમિતિ અધ્યક્ષ યશવંત જાધવે સ્થાયી સમિતિમાં એને મંજૂરી આપી નહોતી. તેમણે નિવદેન આપ્યું હતું કે કોરોના મહામારીમાં નાગરિકોને આર્થિક નુકસાન થયું છે. એથી શિવસેના આ વર્ષે કોઈ પણ પ્રકારનો કરવેરો વધારવા દેશે નહીં.
મોટા સમાચાર : બોરીવલીમાં બોગસ વેક્સિનેશનની ફરિયાદ નોંધાઈ; આ કૉલેજમાં થયો હોબાળો
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાના પાણી ખાતાના ખર્ચામાં 5.29 ટકાનો વધારો થયો છે. 2019-20ની સાલમાં 981 કરોડ 87 લાખ રૂપિયા જેટલો ખર્ચ હતો, એ 2020-21માં 1 હજાર 33 કરોડ 78 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એથી વૉટર ટૅક્સમાં વધારો કરવાની આવશ્યકતા હોવાનું પાલિકાએ ક્હ્યું હતું.
2012માં વૉટર ટૅક્સમાં દર વર્ષે 8 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાએ લીધો હતો. ગયા વર્ષે પણ કોરોનાને પગલે વૉટર ટૅક્સમાં વધારો કરવામાં આવ્યો નહોતો.