News Continuous Bureau | Mumbai
મુંબઈ ઉપનગરની રહેણાંક સોસાયટી પર ફટકારવામાં આવેલી નોન-એગ્રીકલ્ચર ટેક્સ(NAT)ની નોટિસ પર સ્ટે આપવામાં આવ્યો છે. તેને કારણે ઉપનગરની સેંકડો હાઉસિંગ સોસાયટીઓને રાહત થઈ છે. મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાતે મંગળવારે તેની જાહેરાત વિધાનસભામાં કરી હતી. તેમ જ આ મુદ્દે કાયમી સ્વરૂપના નિયમમાં ફેરફાર કરવા માટે એક સમિતિની સ્થાપના પણ કરવામાં આવવાની છે.
ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે મુંબઈ ઉપનગરમાં NATની નોટિસનો મુદ્દો વિધાનસભામાં માંડયો હતો. ઉપનગરમાં રહેતા 60,000થી વધુ નાગરિકોને સરકારે આ ટેક્સ વસૂલવાની નોટિસ ફટકારી છે. આ નોટિસને તેઓએ અન્યાયી ગણાવી હતી.
ઉપનગરમાં ઈમારતો, ચાલી તથા અન્ય નિવાસના બાંધકામ જયારે થયા તે સમયે NAT ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ તેઓ આ ટેક્સ ભરવા માટે નોટિસ મોકલે છે. આ બાબતે ગત સરકારના સમયમાં વિવિધ સ્તરે પુરાવા આપ્યા બાદ પણ ફરી આ પ્રકારની નોટિસ આપવા સામે ભાજપે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મૂંગા પ્રાણીને મળ્યો ન્યાય. પ્રાણીઓને નુકસાન નહીં પહોંચાડવાની પ્રતિજ્ઞા લેતા કોર્ટે બક્ષ્યો. એફઆઈઆર કરી રદ.. જાણો વિગતે
દક્ષિણ મુંબઈમાં આ પ્રકારની કોઈ ટેક્સની નોટિસ મોકલવામાં આવી નથી, તો ઉપનગરમાં કેમ આ ટેક્સ ભરવા માટે નોટિસ મોકલવામાં આવે છે એવો સવાલ કરીને ભાજપે હોબાળો પણ મચાવ્યો હતો અને આ નોટિસને તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગણી કરી હતી. તેમ જ આ ટેક્સ નાબૂદ કરવા તેના પર ચર્ચા કરવા મુંબઈના ઉપનગરોમાંથી તમામ પક્ષોના વિધાનસભ્યોની એક સમિતિની રચના કરવાની માગણી પણ ભાજપે કરી હતી.
તેથી મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાતે NAT ની વસૂલાત અસ્થાયી ધોરણે અટકાવવામાં આવી રહી હોવાનું કહ્યું હતું.
