ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
એન્ટિલિયા બોમ્બ વિસ્ફોટ કેસમાં મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે અને તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની ચાંદીવાલ કમિશન ઑફિસમાં થયેલી ગુપ્ત બેઠકના પ્રકરણમાં નવી મુંબઈ પોલીસ કમિશનરે નવી મુંબઈ પોલીસ પ્રિઝનર પાર્ટીના ચાર અધિકારીઓ અને કર્મચારીઓને ‘કારણ બતાવો’ નોટિસ ફટકારી છે.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ થોડા દિવસો પહેલા ચાંદીવાલ કમિશન સમક્ષ હાજર થયા હતા. ચાંદીવાલ કમિશન સમક્ષ જતા પહેલા પરમબીર સિંહ અને સચિન વાઝેની એક કલાક બેઠક ચાલી હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી. તેને પગલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે આ ગુપ્ત બેઠકની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
સચિન વાઝેને નવી મુંબઈની તળોજા જેલમાંથી ટ્રાયલ માટે મુંબઈની ચાંદીવાલ કમિશન ઑફિસમાં લઈ જનારા નવી મુંબઈ પોલીસ પ્રિઝનર પાર્ટીના ચાર અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ કરવાનો નવી મુંબઈના પોલીસ કમિશનર બિપિન કુમાર સિંઘે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને આદેશ આપ્યો હતો.
છેવટે નામકરણ થયું!!! હવે આ નામે ઓળખાશે રાણીબાગમાં પેંગ્વિન અને વાઘના બચ્ચા ,જુઓ તસવીરો અને વિડિઓ .
આ તપાસમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને નવી મુંબઈ પોલીસ દળના ત્રણ પોલીસ કર્મચારીઓ પ્રોટોકોલ અને નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દોષી જણાયા હતા. તેથી નવી મુંબઈ પોલીસ કમિશનરે આ કેસમાં દોષિત અધિકારીઓ અને કર્મચારીઓને કારણ બતાવો નોટિસ જારી કરી છે. હવે આ અધિકારીઓ આગામી 15 દિવસમાં આ નોટિસનો જવાબ આપે તેવી અપેક્ષા છે.