ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે બોમ્બે હાઈ કોર્ટમાં તેમની સામે દાખલ કરવામાં આવેલા મની લોન્ડરિંગના કેસને રદ કરવાની માંગણી કરી છે, જેમાં EDએ કરેલી તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી તાત્કાલિક તેમને છોડી મૂકવાની માગણી પણ તેમણે અરજીમાં કરી છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા થોડા દિવસથી EDની કાર્યવાહીએ તમામ પોલિટિકલ પાર્ટીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ(ED)એ 23 ફેબ્રુઆરીની સવારે રાજ્યના લઘુમતી મંત્રી નવાબ મલિકના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ મલિકને પૂછપરછ માટે EDની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. આઠ કલાકની પૂછપરછ બાદ અંડરવર્લ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ચોમાસા પહેલા મુંબઈના નાળા થશે ચકાચક, નાળા સફાઈ પાછળ આટલા કરોડ રૂપિયાનો કરાશે ખર્ચ… જાણો વિગત
આ ધરપકડ સામે તેમણે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. નવાબ મલિકે પોતાની અરજીમાં કહ્યું છે કે તેમની ધરપકડ ગેરકાનૂની છે. તેથી તેમને તાત્કાલિક છોડી મુકવામાં આવે. સાથે તેમણે અરજીમાં એવું પણ કહ્યું છે. આ દરમિયાન નવાબ મલિક તપાસમાં સહકાર આપી રહ્યા નથી, તેથી EDએ હવે મલિકના પુત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું માનવામાં આવે છે.
નવાબ મલિક સામે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે ત્યારે તેમના પુત્ર ફરાઝ મલિકને પણ ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. ફરાઝ મલિક EDની ઓફિસની મુલાકાત લે તેવી શક્યતા છે. NCP નેતા નવાબ મલિકને સોમવારે જે.જે. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નવાબ મલિકને 25 ફેબ્રુઆરીએ તબિયત લથડી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવાબ મલિકને દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.