ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર .
મુંબઈમાં ઝડપથી વધતા જતા કેસમાં હવે ઘટાડો થવા લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વધતા કોરોના હવે થોડી રાહત દાખવી રહ્યો છે. શહેરમાં દિવસે-દિવસે વધતા જતા કોરોના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં સોમવારે કોરોનાના 13,648 કેસો નોંધાતા સતત ત્રીજા દિવસે ઘટાડો થતા પ્રશાસનને રાહતનો શ્વાસ લીધો છે.
મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરેલા આંકડા અનુસાર શહેરમાં ગઈ કાલે કોરોનાની 59,242 ટેસ્ટ કરાઈ હતી જેમાંથી 13,648 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નવા કેસ એક દિવસ પહેલાની તુલનામાં 30 ટકા એટલે કે 5,826 ઓછા છે. મુંબઇમાં સંક્રમણના નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 9,28,220 થઈ ગયા છે. આ દરમિયાન 5 લોકોના મોત થયા છે. આથી હવે મુંબઈમાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંક 16,411 થયો છે. હાલ શહેરમાં 1 લાખ 3 હજાર 862 સક્રિય કેસ છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ત્રણ દિવસ 20 હજારથી વધુ કેસ નોંધાયા બાદ રવિવારે 19,474 કેસ નોંધાયા હતા. નિષ્ણાંતોના મતે રવિવારે ટેસ્ટીંગ ઓછુ થવાને કારણે સોમવારે કેસોની સંખ્યામાં ઘટાડો જણાયો હોઈ શકે છે. આ ઉપરાંત ઘેર બેઠા કરવાની એન્ટીજેન ટેસ્ટીંગ કિટને કારણે પણ અનેક કેસ નોંધાયા વિનાના હોઈ શકે છે.