ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં આવેલા ભારત ડાયમંડ બુર્સ સંકુલમાં નાના વેપારી, દલાલોના પ્રવેશ પર અચાનક પ્રતિબંધ મૂકવામાં આવતાં બુધવારે આ સંકુલમાં હંગામો મચી ગયો હતો. ભારત ડાયમંડ બુર્સની સિક્યૉરિટીએ એન્ટ્રી કરનારા તમામ લોકોના કાર્ડ ડીઍક્ટિવેટક કરી નાખ્યા હતા. કાર્ડ બંધ થઈ જવાથી લોકો પ્રવેશ કરી શક્યા નહોતા. એને પરિણામે ડાયમંડ બુર્સની બહાર મોટી સંખ્યામાં દલાલ, વેપારીઓ અને હીરા બજારમાં કામ કરનારા કર્મચારીઓ અટવાઈ ગયા હતા. ભારે ધમાલ થતાં પોલીસને દોડતાં આવવું પડ્યું હતું. ભારત ડાયમંડ બુર્સના મૅનેજમેન્ટ દ્વારા લોકડાઉન પૂરું નહીં થાય ત્યાં કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને પ્રવેશ નહીં આપવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે નાના વેપારી અને દલાલભાઈઓના ભારે વિરોધ બાદ બુધવારે મોડી રાતે ભારત ડાયમંડ બુર્સ દ્વારા પ્રવેશ માટે ગાઇડલાઇનનો સર્ક્યુલર તમામ સભ્યોને મોકલી દેવામાં આવ્યો હતો, જે મુજબ હવેથી ભારત ડાયમંડ બુર્સમાં અમુક લોકો જ પ્રવેશ કરી શકશે.
ગાઇડલાઇન મુજબ ઇમ્પૉર્ટ-એક્સપૉર્ટનું કામ કરનારી ઑફિસો જ ચાલુ રહેશે. દરેક ઑફિસની પોતાની જગ્યા પ્રમાણે મર્યાદિત લોકોને પ્રવેશ આપવામાં આવશે. એટલે કે ઑફિસનો એક ક્વોટો હશે તો એ ક્વોટામાં આવતા લોકોને જ પ્રવેશની મંજૂરી હશે. એ માટે દરેક ઑફિસને અને સભ્યોને તેમના ક્વોટા મુજબનો પ્રવેશ વેરિફિકેશન કરાવી લેવાનો રહેશે. બ્રોકરોને અઠવાડિયામાં એક જ દિવસ એમાં પણ ભારત ડાયમંડ બુર્સ કહેશે એ જ દિવસે પ્રવેશ મળશે તેમ જ જેનું કાર્ડ ઓપન હશે તેને જ મંજૂરી હશે. જેનું કાર્ડ ઍક્ટિવ નથી તેને પ્રવેશ નહીં મળે. એટલું જ નહીં પણ કાર્ડ હોલ્ડરોના પ્રવેશ માટે ક્વોટા હોવાથી તેઓ મુંબઈ ડાયમંડ મર્ચન્ટ ઍસોસિયેશનના સભ્યો છે કે બ્રોકર છે કે ટ્રેડ મેમ્બર છે એનો ઉલ્લેખ તેમણે કરવાનો રહેશે. એ મુજબ તેમને પ્રવેશ મળશે. નિયમ પહેલી જૂન અથવા તો લોકડાઉન છે ત્યાં સુધી અલમમાં રહેશે.
એ સિવાય નવી ગાઇડલાઇન મુજબ પ્રવેશ માટે કોઈ પણ ઑફિસથી રેફરન્સ મળ્યો ન હોય તેવા બ્રોકરોને ગૂગલ પર આપવામાં આવેલી લિન્ક પર જઈને ફૉર્મ ભરવાનું રહેશે. આ ફૉર્મની લિન્ક 20 મે ગુરુવારથી 22 મે શનિવાર બપોરના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. એ મુજબ ફૉર્મ ભરનારી વ્યક્તિને સોમવારથી sms દ્વારા પ્રવેશ મળશે. એ પણ જોકે ક્વોટા મુજબ જ પ્રવેશ મળશે.
સોમવારના પ્રવેશ માટે આ ફૉર્મ દર ગુરુવારથી શનિવાર સુધી ચાલુ રહેશે. આ ફૉર્મ ભરીને એના આધારે દરેકને સપ્તાહમાં 3થી 4 દિવસ પ્રવેશ મળશે. જે દિવસ માટે એન્ટ્રી મળશે એના આગલા દિવસે ભારત ડાયમંડ બુર્સથી sms આવશે અને મૅસેજ આવે તો જ પ્રવેશ મળશે. જે સભ્યોને sms નહીં આવે તેણે ભારત ડાયમંડ બુર્સ આવવાની તકલીફ લેવી નહીં એવી ચોખવટ પણ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈને ઑફિસથી રેફરન્સ મળે છે અને તે ઑફિસનો ક્વોટા ખાલી હશે તો તેમના આઇ-કાર્ડના ઑફિસનો ક્વોટા ચાલુ કરી દેવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે બુધવારે મોડી રાતે પોતાના મેમ્બરને ગાઇડલાઇન સર્ક્યુલટ કરવામાં આવી હતી એ નવી નહોતી, પણ 13 મેના બહાર પાડેલો જૂનો સર્ક્યુલર જ હતો. એથી બુધવારે પ્રવેશથી વંચિત રહી ગયેલા લોકોએ ફરી એ બાબતનું પુનરાર્વતન થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
ભારત ડાયમંડ બુર્સ દ્વારા ફરીથી જૂનો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે ત્યારે નામ નહીં આપવાની શરતે એક વેપારીએ કહ્યું હતું કે બુધવારની ધમાલ બાદ ભારત ડાયમંડ બુર્સનું મૅનેજમેન્ટ ભલે ફરી સર્ક્યુલર બહાર પાડીને લોકોને શાંત કરવાનો પ્રયાસ કરતી હોય, પરંતુ હકીકત એ છે કે તેઓની મરજી મુજબના લોકોને જ બુર્સમાં પ્રવેશ મળવાનો છે.