ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ગણેશોત્સવને માંડ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરના જોખમને જોતાં મુંબઈ મહાનગરપાલિકાએ સાર્વજનિક તેમ જ ઘરના ગણપતિની ઉજવણીને લગતા નિયમો બહાર પાડ્યા છે. તે મુજબ સાર્વજનિક ગણેશ મંડળોને આગમન અને વિસર્જન દરમિયાન સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ જ વેક્સિનના બંને ડોઝ લઈને 14 દિવસથી વધુ દિવસ થયા હોય એવા કાર્યકર્તાઓને જ પૂજાથી લઈને આગમન તથા વિસર્જનમાં ભાગ લેવા પર ભાર આપવામાં આવ્યો છે.
આ વખતે પણ સાર્વજનિક ગણેશ મંડળોની ગણેશમૂર્તિનાં પ્રત્યક્ષ તેમ જ મુખદર્શન ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે ગણેશભક્તોને મંડળોમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. મંડળોને તેમના ગણપતિનાં દર્શનની વ્યવસ્થા સોશિયલ મીડિયા મારફત અથવા લોકલ કેબલ ચૅનલ મારફત કરવાની રહેશે. ફક્ત સ્થાનિક નાગરિકો જ તેમના મંડળના મંડપમાં જઈ શકશે. એમાં પણ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈને 14 દિવસથી વધુ દિવસ થયા હોય તે કાર્યકર્તાઓ જ પૂજા તેમ જ આરતીમાં ભાગ લઈ શકશે. તેમ જ વેક્સિનના બંને ડોઝ લીધેલા કાર્યાકર્તાઓ જ ગણેશમૂર્તિના આગમન તથા વિસર્જનમાં ભાગ લઈ શકશે.
ગણેશોત્સવ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાનું રહેશે. માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. ઘરના ગણપતિને લેવા માટે પણ પાંચથી વધુ લોકો જોડાઈ શકશે નહીં. ઘરની મૂર્તિનું ઘરમાં જ વિર્સજન કરવાનું રહેશે અથવા પાલિકાને કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે મૂર્તિ સોંપી દેવાની રહેશે. વિસર્જન માટે પૂજા-આરતી ઘરે જ કરી લેવાની રહેશે. કન્ટેઇન્ટમેન્ટ ઝોન અથવા પ્રતિબંધક વિસ્તારમાં રહેલી સાર્વજનિક ગણેશમૂર્તિનું વિસર્જન મંડપમાં જ કરવાનું રહેશે અથવા તો વિસર્જન આગળ ધકેલવાનું રહેશે. તેમ જ પ્રતિબંધક બિલ્ડિંગમાં ઘરમાં આવતા ગણપતિની મૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે.
મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશમૂર્તિના વિસર્જન માટે સમગ્ર મુંબઈમાં 173 ઠેકાણે કૃત્રિમ તળાવ ઊભાં કર્યાં છે. તો 73 સ્થળે નૈસર્ગિક વિસર્જન સ્થળની વ્યવસ્થા કરી છે તેમ જ અમુક વૉર્ડમાં મૂર્તિ ભેગી કરવા માટે ખાસ કેન્દ્ર પણ ઊભાં કરવામાં આવ્યાં છે.
મુંબઈગરાનું ટેન્શન વધી ગયું! મુંબઈમાં કોરોનાના ટેસ્ટિંગનું પ્રમાણ આટલા ટકા ઘટી ગયું; જાણો વિગત
ગણેશોત્સવ આવી ગયો છે ત્યારે અત્યાર સુધી મુંબઈમાં ફક્ત 1,671 સાર્વજનિક ગણેશ મંડળોને જ મંજૂરી આપવામાં આવી છે.