ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
આગામી હોળીમાં એટલે કે માર્ચ 2022માં વસઈ-વિરારના નાગરિકોને MMRDA તરફથી ભેટ મળશે. જેની માગણી છેલ્લા 30 વર્ષથી નાગરિકો કરી રહ્યા હતા. આ ભેટમાં ફ્લાયઓવર મળશે. નાયગાંવ-ઈસ્ટ અને વેસ્ટને જોડવા માટે ફ્લાયઓવરનું બાંધકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ફ્લાયઓવર શરૂ થયા બાદ આ વિસ્તારમાં રહેતા લાખો લોકોને રાહત મળશે. નાયગાંવના આ ફ્લાયઓવરના નિર્માણ પછી વાહન ચાલકોને બોરીવલીથી વસઈ જવા માટે કલાકો સુધી પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. બ્રિજનું 90% બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગત મુજબ MMRDA અને પશ્ચિમ રેલવેના નેજા હેઠળ આ પુલનું નિર્માણ કાર્ય નાયગાંવ-પૂર્વને પશ્ચિમથી જોડવા માટે કરવામાં આવી રહ્યું છે. પુલની લંબાઈ 1.296 મીટર છે. આ પુલ ત્રણ લેનનો હશે. પુલમાંથી બહાર નીકળવાનો માર્ગ નાયગાંવ-પશ્ચિમની બંને બાજુ હશે. જે વસઈ અને નાયગાંવ તરફના પ્રવાસીઓને સુવિધા આપશે. ફ્લાયઓવરના નિર્માણમાં 27 પિલર ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી બે પિલર અને ગર્ડરનું કામ રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પ્રોજેક્ટ માટે 85 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. નાયગાંવ અને વસઈમાં રહેતા નાગરિકો માટે અગાઉ બાંધવામાં આવેલો વસઈ પુલ જ પ્રવાસનો એકમાત્ર વિકલ્પ છે. અહીં રહેતા નાગરિકોને મુંબઈ-અમદાબાદ હાઈવે પર 20 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. નાયગાંવ-વેસ્ટથી મુંબઈ અમદાવાદ હાઈવે પહોંચવામાં દોઢ કલાક લાગે છે. ફ્લાયઓવર શરૂ થવાથી માત્ર 30 મિનિટમાં હાઈવે પર પહોંચી જવાશે. સાથે જ લોકોને ટ્રાફિકની હાલાકીમાંથી પણ છુટકારો મળશે.