ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જૂન 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં શુક્રવારે ફક્ત 9,798 નવા કેસ નોંધાયા હતા. મૃત્યુનું પ્રમાણ પણ એકદમ ઘટીને 198 પર આવી ગયું હતું. મુંબઈમાં કોરોનાથી 19નાં મૃત્યુ થયા હતા. એની સામે મુંબઈના પડોશી શહેર થાણેમાં એક પણ મૃત્યુ થયું નહોતું. એમાં પણ કલ્યાણ-ડોંબિવલીમાં તો છેક 98 દિવસ બાદ મૃત્યુ-આંક શૂન્ય પર આવ્યો છે.
મોટા સમાચાર : બોરીવલીમાં બોગસ વેક્સિનેશનની ફરિયાદ નોંધાઈ; આ કૉલેજમાં થયો હોબાળો
મુંબઈ સહિત મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યું છે. રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસ 10,000ની અંદર નોંધાયા હતા અને મૃત્યુનું પ્રમાણ પણ ઘટી ગયું છે, જે રાહતજનક બાબત કહેવાય. મુંબઈમાં પણ નવા કેસ અને મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થયો છે, ત્યારે કલ્યાણ-ડોંબિવલીમાં પણ છેલ્લા થોડા દિવસોથી કોરોનાના નવા કેસમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. સતત બે દિવસથી તો 100ની નીચે નવા કેસ નોંધાઈ રહ્યા છે. શુક્રવારે નવા 78 કેસ નોંધાયા હતા તો 98 દિવસ બાદ અહીં એક પણ દર્દીનું મૃત્યુ થયું નહોતું. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મુંબઈ બાદ કલ્યાણ-ડોંબિવલીમાં પણ કોરોના બેકાબૂ બન્યો હતો. અત્યાર સુધી કલ્યાણ-ડોંબિવલીમાં કોરોનાના 1,42,293 કેસ નોંધાયા છે, તો કુલ મૃત્યુ-આંક 2,248 છે.