ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈ પોલીસે દિશા સાલિયન મૃત્યુ કેસની તપાસ બંધ કરી દીધી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના એક અઠવાડિયા પહેલાં તેણે આત્મહત્યા કરી હતી. દિશા સાલિયન સુશાંતના પ્રચારકાર્યને સંભાળી રહી હતી. પોલીસે તેની આત્મહત્યાનો કેસ બંધ કરી દીધો છે અને એમાં કોઈ પુરાવા મળ્યા ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં તપાસ બંધ કરવામાં આવી હતી, કારણ કે આ કેસમાં ખોટી રમતના કોઈ પુરાવા મળ્યા નથી. સાલિયનના મોતને રાજપૂત સાથે જોડતા સોશિયલ મીડિયા પર ઘણા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેની હત્યા કરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ તેના બાંદ્રાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર ટિપ્પણી માટે તેમની ધરપકડ અને ત્યાર બાદ જામીન મળ્યા બાદ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ઠાકરે સરકાર પર પ્રહાર કર્યા હતા. પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં નારાયણ રાણેએ સુશાંત સિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયાનના શંકાસ્પદ મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું હતું, “દિશા સાલિયનના મૃત્યુકેસનું શું થયું? કયા પ્રધાન ત્યાં હાજર હતા? આ કેસ હજુ સુધી કેમ ઉકેલાયો નથી? હવે હું ચૂપ બેસીશ નહીં. જ્યાં સુધી તે પ્રધાનની ધરપકડ નહીં થાય ત્યાં સુધી પીછો કરીશ. હું કોર્ટમાં જઈશ, જોઉં છું તેમને કોણ બચાવે છે? આમ કહીને નારાયણ રાણેએ ઠાકરે સરકારને ચેતવણી આપી હતી.
ઉલ્લેખનીય છે કે રાણેએ ગયા વર્ષે સોશિયલ મીડિયા પર દિશા સાલિયન અને સુશાંત સિંહ રાજપૂતની બંને ઘટનાઓ પાછળ રાજકીય વ્યક્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. CBI પણ આ કેસની તપાસ કરી રહી છે અને સુશાંત સિંહ રાજપૂત કેસમાં હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. આ ઉપરાંત દિશા સાલિયન કેસમાં CBI તપાસની માગ કરતી અરજી મુંબઈ હાઈ કોર્ટે ફગાવી દીધી હતી.