ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
એક તરફ કોરોના મહામારી દરમિયાન છેલ્લા બે વર્ષમાં પૂરી દુનિયાના અર્થતંત્રને મોટો ફટકો પડયો છે. તો બીજી તરફ દુનિયાભરના શ્રીમંતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હોવાનું એક સર્વેક્ષણમાં બહાર આવી છે. તેમાં પણ ભારતમાં 2021માં શ્રીમંતોની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો છે, જેમાં ફક્ત મુંબઈમાં જ પાંચ વર્ષમાં ધનાઢ્યોની સંખ્યા 42.6 ટકાએ વધી ગઈ છે.
નાઈટ ફ્રેંકના “ધ વેલ્થ“ રિપોર્ટ મુજબ ભારતમાં 2021ની સાલમાં ધનાઢ્યોની સંખ્યામા 11 ટકાએ વધારો થયો છે. અમેરિકા અને ચીનની પાછળ પાછળ સૌથી વધુ શ્રીમંતો ભારતમાં છે, તેમાં પણ સૌથી વધુ ધનાઢ્યો દેશના આર્થિક પાટનગર મુંબઈમાં છે. મુંબઈમાં શ્રીમંતોની સંખ્યા 1596 છે, જેમાં તેમની સંપત્તિ લગભગ 330 મિલિયન ડોલરથી પણ વધુ છે.
છેલ્લા પાંચ વર્ષમાં મુંબઈમાં શ્રીમંતોની આંકડાવારીમાં 2016માં 1,119ની સરખામણીમાં 42.6 ટકાએ વધીને 2021માં 1,596 સુધી પહોંચી ગઈ છે. આગામી સમયમાં એટલે કે 2026 સુધી શ્રીમંતોની આંકડાવારી 29.6 ટકાથી વધીને 2069 સુધી પહોંચશે એવો અંદાજ “ધ વેલ્થ“માં છે.
દેશમાં 40 વર્ષ કરતા ઓછી ઉંમરના શ્રીમંતોની ટકાવારીમાં ભારત છઠ્ઠા નંબરે છે. વૈશ્વિક સ્તરે 2021માં શ્રીમંતની સંખ્યા 9.3 ટકાના વધારા સહિત 10,569 સુધી પહોંચશે એવું પણ અહેવાલમાં કહેવામાં આવ્યું છે.