ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 જાન્યુઆરી 2021
મુંબઈની ઓળખ સમી બેસ્ટની ડબલ ડેકર બસો, હવે વેચવા જઈ રહી છે. 7 જાન્યુઆરીથી તેમની હરાજી કરવામાં આવશે. નોંધનીય છે કે જૂની ડબલ ડેકર બસોની હાલત સારી નથી અને તે રસ્તા પર દોડાવવા લાયક નથી. આ કારણોસર, બેસ્ટ પ્રશાસને આ આઇકોનિક બસો વેચવાનો નિર્ણય લીધો છે.
બેસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બસોની એક્સપાયરી ડેટ પુરી થયી ગઈ છે અને રસ્તા પર દોડાવવી હાનિકારક છે. એવી સંભાવના છે કે 2021 ના અંત સુધીમાં આની જગ્યાએ નવી ડબલ-ડેકર બસ ખરીદવામાં આવશે. કુલ 120 ડબલ ડેકર બસોમાંથી, 60 હરાજીની પ્રક્રિયા માટે મૂકવામાં આવી છે. બાકીની 60 બસ વર્ષના અંત સુધી કાર્યરત રહેશે.
મુંબઈ ના જાણકાર લેખક અને પત્રકારે, જણાવ્યું હતું કે, “ડબલ ડેકર્સ અને મુંબઈ વચ્ચે ખાસ સંબંધ છે. બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઈન્ડિયા રેલ્વે દ્વારા ભારતમાં પ્રથમ ડબલ ડેકર ટ્રેન શરૂ કરવામાં આવી હતી, જેને આજે પશ્ચિમ રેલ્વે કહેવામાં આવે છે. આગળ ડબલ ડેકર ટ્રામો હતી, જેને 17 સપ્ટેમ્બર, 1920 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુંબઈમાં ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ”
“ત્યારબાદ ડબલ ડેકર બસને અનુસરવામાં આવી, જે 1937 માં રજૂ કરવામાં આવી હતી. લંડનની લાલ બસોની તુલનામાં, મુંબઈમા આ બસો ઝડપથી તમામની પ્રિય બની ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ડબલ ડેકર બસોનો કાફલો એપ્રિલ 2006 માં 227 નો હતો, જે એપ્રિલ 2008 માં 171 થઈ ગઈ હતી. તે બાદ ફરી જુલાઈ 2009 માં ઘટાડીને 134 કરી દેવામાં આવી હતી અને હવે બેસ્ટ પાસે ફક્ત 122 ડબલડેકર બસો ચાલુ છે. તેમાંથી વધુ 60 આ વર્ષે રદ કરવામાં આવશે. આમ મુંબઈની આઈકોનીક બસો મૃતપાઈ થઈ રહી છે.
નોંધનીય છે કે આ બેસ્ટ બસોનું ખાસ બોલીવુડ કનેક્શન છે. તે મુકદ્દર કા સિકંદર, શાન, ગજની, અર્ધ સત્ય અને ઘણી નવી ફિલ્મો તેમજ જૂની બ્લૅક એન્ડ વ્હાઇટ હિન્દી મૂવીઝમાં જોવા મળી છે. હાલના વર્ષોમા જ જ્યારે ધોનીની કપ્તાની હેઠળ વર્લ્ડ કપ જીત્યાં હતાં ત્યારે મુંબઈની આજ ખુલ્લી બસમાં જીતની પરેડ કાઢવામાં આવી હતી..