ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
કોરોના નિયંત્રણમાં આવવાની સાથે જ તમામ નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી વેક્સિનના બંન ડોઝ લેનારાઓને લોકલ ટ્રેનના ફક્ત માસિક પાસ આપવામાં આવતા હતા. પરંતુ હવે કોવિડ-19ની વેક્સિનના બંને ડોઝ લેનારી વ્યક્તિઓને હવે લોકલ ટ્રેનની દૈનિક ટિકિટ આપવાની પણ સરકારે મંજૂરી આપી દીધી છે. રવિવારે પહેલા જ દિવસે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેમાં બે લાખથી પણ વધુ દૈનિક સિંગલ અને રિટર્ન ટિકિટો વેચાઈ હતી.
વેસ્ટર્ન રેલવેમાં 83,000 અને સેન્ટ્રલ રેલવેમાં 1.28 લાખ એમ કુલ 2.1 લાખ દૈનિક ટિકિટો વેચાઈ હતી. જોકે લોકલ ટ્રેનમાં જે રીતેના ભીડ વધી રહી છે, તેને જોતા કોરોનાની ત્રીજી લહેરનું આગમન ન થાય તેવો ભય સરકારને સતાવી રહ્યો હોવાનું કહેવાય છે.
એમ તો ઓક્ટોબરમાં રવિવારના અત્યાવશ્યક સેવાઓના કર્મચારીઓને સરેરાશ 3 લાખ ટિકિટ વેચવામાં આવી હતી. તેના કરતા આ સંખ્યા ઓછી છે. રવિવાર 31 ઓક્ટોબરથી ફરી સામાન્ય નાગરિકોને એટલે કે વેકિસનના બંને ડોઝ લઈને 14 દિવસ થઈ ગયા છે, તેમને પણ દૈનિક ટિકિટ આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે.
આ દરમિયાન સેન્ટ્રલ રેલવેએ રવિવારે સોશિયલ મિડિયા પર ટ્વીટ કરીને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ તબિબી કારણથી વેક્સિન લઈ શકતી ન હોય તેણે માન્યતા પ્રાપ્ત ડોકટરનું સર્ટિફિકેટ બતાવીને કાઉન્ટર પરથી ટિકિટ મેળવવી.