ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
દક્ષિણ મુંબઈના તાડદેવમાં ગોવાલિયા ટેન્ક પાસે આવેલી 20 માળાની સચિનમ હાઈટ્સ (કમલા) બિલ્ડિંગમાં શનિવારે વહેલી સવારે લાગેલી આગનો મૃત્યુઆંક સાત પર પહોંચી ગયો છે. સોમવારે વહેલી સવારે આ આગમાં જખમી થયેલા અને ક્રિટિકલ હાલતમાં રહેલા 38 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું. તો બિલ્ડિંગના 19માળા પર રહેતા ગુજરાતી યુવક કિરીટ કંથારિયાના કોઈ સગડ મળ્યા નથી. તેથી નાયર હૉસ્પિટલમાં રહેલા અજાણ્યા મૃતદેહની ઓળખ કરવા માટે પોલીસે ડીએનએ ટેસ્ટની મદદ લેવાની છે.
સચિનમ હાઈટ્સમાં થયેલા અગ્નિતાંડવમાં કુલ ૩૦ જખમી થયા હતા. શનિવારે આ દુઘર્ટનામાં છના મોત થયા હતા. તેમાંથી પાંચના મૃતદેહની ઓળખ થઈ ગઈ હતી. જેમાં 19મા માળા પર રહેતા મિસ્ત્રી પરિવારના એક જ સભ્યના માતા, પુત્ર અને પુત્રીનું મોત થયું હતું. તો તેમના બાજુના ફલેટમાં રહેતા કંથારિયા પરિવારમાં પણ 75 વર્ષની વૃદ્ધાનું મોત થયું હતું. તો તેના યુવાન દીકરા કિરીટના હજી સુધી કોઈ સગડ મળ્યા નથી. નાયર હોસ્પિટલમાં એક અજાણ્યો મૃતદેહ કિરીટનો હોવાથી પોલીસને શંકા છે. પરંતુ મૃતદેહની ખૂબ ખરાબ હાલતમાં હોવાથી તેની ઓળખ શક્ય થઈ શકી નહોતી. તેથી પોલીસ ડીએનએ ટેસ્ટની મદદ લેવાની છે. તે માટે કિરીટના ભાઈઓને આજે પોલીસે બોલાવ્યા છે.
મુંબઈગરાની સવાર ઠંડા ઠંડા કૂલ કૂલ, સવાર સવારમાં આટલું છે તાપમાન
આ દરમિયાન ના જણાવ્યા મુજબ સોમવારે વધુ એક જખમીનું મોત થયું હતું. નાયર હોસ્પિટલમાં ક્રિટીકલ હાલતમાં રહેલા 38 વર્ષના મનીષ સિંહનું સવારના સાત વાગે મૃત્યુ થયું હતું. તો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે લોકોની હાલત સ્થિત છે. ભાટિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 12 જખમીઓને દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી છની હાલત હજી ક્રિટીકલ છે. જયારે છની તબિયત સ્થિર છે. તો મસીના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એકની હાલત પણ ક્રિટીકલ હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું.
