ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બીમાર તથા શારીરિક રીતે અક્ષમ હોય એવા બેડરીડન લોકોને ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાની મુંબઈ પાલિકાએ ઝુંબેશ ચાલુ કરી છે. એમાં અત્યાર સુધી મુંબઈમાં 4,715 બેડરીડન લોકોએ ઘરે વેક્સિન લેવા પોતાનાં નામ નોંધાવ્યાં છે, પરંતુ અત્યાર સુધી માત્ર 602 લોકોને જ ઘરે જઈને વેકિસન આપવામાં આવી છે. એથી મહારાષ્ટ્ર સરકાર સહિત મુંબઈ મહાનગરપાલિકાના કારભાર સામે આંગળી ચીંધાઈ રહી છે.
અઠવાડિયા પહેલાં રાજ્ય સરકારે વર્ષોથી પથારીમાં હોય તેવા લોકોને ઘરે જઈને વેક્સિન આપવાની યોજના જાહેર કરી હતી. પાલિકા બિનસરકારી સંસ્થાની મદદથી ઘરે જઈને વેક્સિન આપી રહી છે. જોકે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું હોવાથી રજિસ્ટર્ડ થયેલા લોકોને પાલિકા ક્યારે વેકિસન આપી રહેશે એવા સવાલ થઈ રહ્યા છે. ત્યારે પાલિકાના કહેવા મુજબ બેડરિડન લોકોને તેઓ છ મહિનાથી પથારીવશ હોવાનું ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવવામાં મોડું થઈ રહ્યું છે. એથી વેક્સિનેશન પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.