ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના મુંબઈમાં એક તરફ કેસ વધી રહ્યા છે, ત્યારે ગુરુવારે રાહતભર્યો દિવસ રહ્યો હતો. મુંબઈમાં ઓમીક્રોનના 14 દર્દીમાંથી 13 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હવે ફક્ત એક દર્દીની મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો નથી.
હોસ્પિટલમાંથી 14 દર્દીઓને રજા મળી ગઈ છે. તો ઓમીક્રોનના 15 શંકાસ્પદ દર્દીની તબિયત પણ સારી છે. તેમના જીનોમ સિક્વેન્સિંગના રિપોર્ટની રાહ જોવાઈ રહી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા સહિત યુરોપીયન દેશમાં ઓમાઈક્રોનનો કહેર વધી રહ્યો છે, ત્યારે મુંબઈમાં પણ ઓમીક્રોનના વધતા કેસના કારણે ચિંતા વધી ગઈ છે.
મુંબઈમાં હવે દોડશે ઈ-રિક્ષા. થઈ ગઈ લોન્ચ. જુઓ ફોટાઓ..
ઓમીક્રોનનો સામનો કરવા માટે પાલિકાએ અંધેરીના મરોલમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં 100 બેડ તૈયાર રાખ્યા છે. તો બે ખાનગી હોસ્પિટલમાં પણ 10-10 બેડ તૈયાર રાખ્યા છે. કલ્યાણ-ડોંબિવલીના દર્દીને છોડીને ઓમીક્રોનના મુંબઈ, વસઈ, મીરા-ભાયંદરના તમામ દર્દીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.