ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
કોરોનાના કારણે થયેલા આર્થિક નુકસાનને પગલે છેલ્લા અનેક મહિનાથી કેટલાક લોકોએ વીજબિલ ભર્યા ન હતા. હવે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSDCL)એ મુંબઈ રીજનના આવા પાંચ હજાર ગ્રાહકોનાં જોડાણ હંગામી ધોરણે કાપી નાખ્યાં છે. મુંબઈ, થાણે, પનવેલ સહિતના ગ્રાહકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
અગાઉ પણ પ્રથમ લૉકડાઉન બાદ મહાવિતરણે આ પ્રકારની કાર્યવાહી કરી હતી અનેઘણા ગ્રાહકો પાસેથી બિલની રકમ વસૂલ્યા બાદ વીજપુરવઠો પૂર્વવત્ કરાયો હતો, પરંતુ કોરોનાને કારણે થયેલા બીજા લૉકડાઉનને કારણે આ કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. હવે આ મહિનાથી મહાવિતરણે ફરી વીજજોડાણ કાપવાનું શરૂ કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યમાં રેસિડેન્શિયલ, કૉમર્શિયલ યુનિટના બે લાખ ગ્રાહકોએ દસ મહિનાથી બિલ બાકી રહ્યા હતા, જેની કુલ રકમ ૪૮,૫૦૦ કરોડ જેટલી હતી. મુંબઈ રીજનમાં આ રકમ ૨૪૨ કરોડ જેટલી હતી.