ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. વાયરસના સંક્રમણનો ગ્રાફ ફરી ઊંચો જઈ રહ્યો છે. મુંબઈની સ્થિતિ પણ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 8,067 કેસ નોંધાયા છે. ઓમિક્રોન સિવાય મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 8,067 કેસ સામે આવ્યા છે, જેમાંથી એકલા મુંબઈમાં જ 5,631 કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવાનું પાક્કું અનુમાન છે. આજે નોંધાયેલા કોરોનાના 8,067 કેસ ત્રીજી લહેરનો સ્પષ્ટ સંકેત છે. રાજ્ય આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર ગુરુવારની તુલનામાં શુક્રવારે લગભગ 2700થી વધારે કેસ સામે આવ્યાં છે. એક દિવસમાં 8000થી વધુ કેસ આવવા સ્પષ્ટ સંકેત છે હવે આગામી દિવસોમાં લોકડાઉન જેવા કડક પ્રતિબંધો આવી શકે છે.
આ પહેલા ગુરુવારે મુંબઈમાં 3671 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બુધવારે 2510 લોકો અને મંગળવારે 1377 લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં, ત્રણ-ચાર દિવસમાં કોરોનાના દૈનિક કેસોમાં લગભગ ચાર ગણા ઉછાળાએ સરકારની ચિંતા વધારી દીધી છે.
જોકે, મહારાષ્ટ્રમાં, આજે માત્ર ચાર ઓમિક્રોન કેસ નોંધાયા છે. આ કેસ વસઈ વિરાર, નવી મુંબઈ, મીરા ભાયંદર અને પનવેલમાં જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 454 ઓમિક્રોનના દર્દીઓ મળી આવ્યા છે.