ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
એક તરફ વેક્સિનેશન ઝડપી બનાવવાના દાવા સરકાર કરી રહી છે. બીજી તરફ વેક્સિનના અભાવે મોટા ભાગના સરકારી અને મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત વેક્સિનેશન સેન્ટર બંધ પડી ગયાં છે. લોકોને વેક્સિન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની હાડમારી સહન કરવી પડી રહી છે. પશ્ચિમ ઉપનગરમાં જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, એ બોરીવલી, દહિસરમાં વેક્સિન માટે સામાન્ય નાગરિકોને 12-12 કલાક વેક્સિન માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે, એવી ફરિયાદ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે. વેક્સિનનો સ્ટૉક લિમિટેડ હોવાથી ગણતરીના લોકોને જ વેક્સિન મળતી હોય છે. એથી લોકો વેક્સિનેશન સેન્ટરની બહાર રાતથી જ નંબર લગાડતા હોવાનું જણાઈ આવ્યું છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ લોકોને જોકે વેક્સિન મળતી નથી.
હાલમાં જ બોરીવલી અને દહિસરના અનેક વેક્સિનેશન સેન્ટરમાં લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે પણ રીતસરનાં વલખાં મારી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતે પાલિકાના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે વેક્સિનનો સ્ટૉક ઓછો હોવાથી સેન્ટરો બંધ રાખવા પડે છે. જોકે બહુ જલદી વેક્સિનનો સ્ટૉક ઉપલ્બધ થશે.