ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
ઝવેરી બજારમાં સોનાની ઝગમગાટ હજી કાયમ છે. લગ્નસરાની મોસમ હોવાથી લોકો સોનાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. ઝવેરી બજારમાં દુકાનોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા નજર આવી રહ્યા છે. આગામી જૂન મહિના સુધી લગ્નના મુહૂર્ત હોવાથી સોનાની ખરીદીનો ટ્રેન્ડ આગામી વર્ષ સુધી કાયમ રહે એવી શક્યતા ઝવેરી બજારના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
દશેરા અને ધનતેરસરના લોકોએ સોનાની જોરદાર ખરીદી કરી છે. મુંબઈમાં તો લગભગ ધનતેરસે જ 600 કરોડ રૂપિયાની આસપાસ સોનાની ખરીદી થઈ હતી. હાલ સોનાના ભાવ પણ આસમાને છે છતાં લોકો સોનાની ખરીદી કરવા પર રીતસરના તૂટી પડ્યા હોવાનું જણાઈ રહ્યું છે. મુંબઈ જવેલર્સ અસોસિયેશનના અધ્યક્ષ કુમાર જૈને ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે લગ્નની મોસમ ચાલુ થઈ ગઈ છે. છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને પગલે લગ્ન લેવાયા નથી. તો અમુક જગ્યાએ સાદાઈથી લગ્ન લેવાયા. હવે જયારે બધુ સામાન્ય થતા ધૂમધામથી લગ્ન થઈ રહ્યા છે. ત્યારે લોકો પણ સોનાની ખરીદી કરવા માટે તૂટી પડયા છે. દોઢ વર્ષમાં જે સોનું ખરીદી શકયા નથી તે હવે લગ્નના બહાને સોનાની ખરીદી રહ્યા છે.
ધોળો હાથી સાબિત થયેલી મોનોરેલને ખોટમાંથી બહાર કાઢવા સરકાર ભરશે હવે આ પગલું, જાણો વિગત.
સોનાનો આજે વિધાઉટ જીએસટી દસ ગ્રામનો ભાવ 49,061 રૂપિયા રહ્યો હતો. છતાં લોકો જોરદાર ખરીદી કરી રહ્યા છે. ઝવેરી બજારમાં નાની-મોટી દુકાનો ગ્રાહકોથી ભરેલી જણાઈ રહી છે. આવો જ માહોલ મુંબઈના અન્ય વિસ્તારમા આવેલી ઝવેરીઓની દુકાન માં પણ જોવા મળી રહ્યો છે. લોકો નાની-મોટી ખરીદી કરતા નજરે આવી રહ્યા છે. સોનાની ખરીદીમાં આવેલી ઘરાકીને પગલે ઝવેરીઓ પણ ખુશખુશાલ જણાઈ રહ્યા છે.
લોકો મોટા પાયા પર ખરીદી કરી રહ્યા છે એ બાબતે કુમાર જૈને જણાવ્યું હતું કે સોનાના ભાવ હાઈએસ્ટ છે, છતાં સોનું હંમેશાથી ઈનવેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ સલામત ગણાય છે. તેથી રોકાણની દ્રષ્ટીએ તેમ જ લગ્નના પ્રસંગને બહાને લોકો ખરીદી કરી રહ્યા છે. લગ્નની મોસમમાં સોનાની ખરીદી હજી રેકોર્ડ કરી જાય એવી શક્યતા છે. મુંબઈ, ગુજરાત અને રાજસ્થાનમાં લગ્નના ઘણા મુહૂર્ત હોવાથી લોકો ભારે ખરીદી કરી રહ્યા છે. રાજસ્થાનમાં તો રાણીવાડાના નામના ગામમાં તો ચારથી પાંચ હજારની માંડ વસ્તી છે, તેમાં જ આગામી દિવસમાં પોણા બસ્સો લગ્ન થવાના છે.