ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 નવેમ્બર 2020
મહારાષ્ટ્રના લોકો કે જેમણે કોરોના વાયરસ રોગચાળાના સમયગાળા દરમિયાન ભારે ભરખમ વીજળીના બીલો મેળવ્યા છે, તેઓને દિવાળી દરમિયાન રાજ્યના ઉર્જા વિભાગ તરફથી રાહત મળે તેવી સંભાવના છે, એમ ઊર્જાપ્રધાન ડૉ. નીતિન રાઉતે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યના મંત્રીમંડળમાં ફુલેલા બીલોના મુદ્દે 7 થી વધુ વાર ચર્ચા થઈ હતી, પરંતુ રાજ્ય સરકાર મહારાષ્ટ્રની જનતાને રાહત આપવા માટે કોઈ સમાધાન શોધી કાઢ્યું ન હતું.
ઊર્જાપ્રધાન ડૉ. નીતિન રાઉત ગઈકાલે(સોમવારે) રાઉતે જણાવ્યું હતું કે મહામારી દરમિયાન બિલમાં વધારાની સમસ્યાના નિવારણ તથા 100 યુનિટ મફત વીજળી આપવાનો નિર્ણય દિવાળી સુધીમાં લેવામાં આવશે. આગળ તેમણે જણાવ્યું હતું કે લૉકડાઉન દરમિયાન (ત્રણ મહિના સુધી) ગ્રાહકોએ સહન કરવા પડેલા વધુ વીજબિલ પર નિર્ણય પણ લેવાય તેવી અપેક્ષા છે. જોકે મફત વીજળીનો લાભ મુંબઈની ખાનગી અને મ્યુનિસિપલ કંપનીઓના ગ્રાહકોને મળશે કે કેમ તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નહોતી.
ડૉ. રાઉતે ટ્રૉમ્બેસ્થિત તાતા પાવર કંપનીના જનરેશન સ્ટેશનની તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ‘ફાઇલો નાણા વિભાગને મોકલી દેવાઈ છે જ્યાં અજિતદાદા પવાર નિર્ણય લેશે. અમે મુખ્ય પ્રધાનની મંજૂરીની પણ રાહ જોઈ રહ્યા છીએ. એક વખત માતોશ્રી થી પરવાનગી મળી જાય ત્યાર પછી અમે આ નિર્ણયનો અમલ કરી શકીએ છીએ.’
નોંધનીય છે કે ગયા મહિને વીજળી જવાની અભૂતપૂર્વ ઘટનાના કારણો તપાસવા માટે તેમણે તપાસ સમિતિની નિમણૂક કરી છે. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઈઆરસી) અને કેન્દ્રીય વીજ મંત્રાલયે પણ મામલાની તપાસ કરવા માટે તેમની નિષ્ણાત ટીમોને જણાવ્યું છે તથા આવી ઘટના ફરી ન બને એ માટેનાં પગલાંની ભલામણ કરી છે.
