ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં એક દિવસમાં ઓમિક્રોનના ૨૪ નવા કેસ સામે આવતા કોરોના વાયરસના નવા વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૦૦ને પાર પહોંચી ગઈ છે. સંક્રમણને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ લોકોને બિન-જરૂરી મુસાફરી અને સામૂહિક મેળાવડા ટાળવા અને નવા વર્ષની મોટા પાયે ઉજવણી ન કરવા સલાહ આપી છે. કર્ણાટકમાં પ્રથમ કેસ નોંધાયાના માત્ર ૧૫ દિવસ પછી ઓમિક્રોન કેસની સંખ્યા ૧૦૦ને પાર પહોંચી જતા લોકોની ચિંતા વધી છે. દેશમાં ઓમિક્રોનના વધતા કેસે તંત્રની ચિંતા વધારી છે. તેની વચ્ચે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એક રીલીઝ જારી કરીને માહિતી આપી છે કે અમેરિકાના ન્યુયોર્કથી મુંબઈ પરત ફરેલ ૨૯ વર્ષીય વ્યક્તિ ઓમીક્રોન પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ નવાઈની વાત એ છે કે આ વ્યક્તિએ ફાઈઝરની કોવિડ રસીના ત્રણેય ડોઝ લીધા છે. જો કે, વ્યક્તિમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા છત્તા તેનામાં આ વેરિેન્ટની ભાળ મળી આવી છે.
બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના એક દિવસમાં ૧૦,૦૦૦ નવા કેસ મળ્યા, સ્થિતિ બેકાબૂ થઇ
BMCના જણાવ્યાનુસાર એરપોર્ટ પર તપાસ દરમિયાન આ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો નહતો. આ પછી તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયું છે. BMCએ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા બે લોકોની પણ તપાસ કરી હતી. તપાસમાં બંનેનો નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ નવા કેસ સાથે મુંબઈમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને ૧૫ થઈ ગઈ છે. જેમાંથી પાંચ સંક્રમિત વ્યક્તિ મુંબઈ બહારના છે. જેમાંથી ૧૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
મુંબઈમાં વધતા ઓમિક્રોનના સંક્રમણને ધ્યાનમાં રાખીને ૧૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. કલમ ૧૪૪ અંગે મુંબઈ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંક્રમણને રોકવા ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં મોટા કાર્યક્રમો પર પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં અત્યાર સુધીમાં કુલ ૪૦ કેસ મળી આવ્યા છે.