ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે ૨૦૨૧
સોમવાર
મુંબઈની પ્રતિષ્ઠિત અને એશિયાની સૌથી ધનિક એવી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી આવતા ફેબ્રુઆરી મહિનામાં થવાની છે. મુંબઈ મહાનગર પાલિકાનું બજેટ ૩૯ હજાર કરોડનું છે, ભારતના અમુક રાજ્યોનું પણ બજેટ આટલું મોટું નથી.
છેલ્લાં અનેક વર્ષોથી મહાનગર પાલિકામાં શિવસેનાનું રાજ છે. હવે શિવસેના મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ પણ છે. તેથી સૌની નજર હવે તે વાત પર છે કે શું શિવસેના પાલિકામાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી શકશે? એક તરફ જ્યાં કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સત્તામાં છે. ત્યારે મુંબઈ શહેરમાં કોણ કોની સાથે અને સામે લડશે તે જોવું રહ્યું.
અયોધ્યામાં હિંદુ બહુમતિ ગામમાં રહેતો એક માત્ર મુસ્લિમ વ્યક્તિ પ્રધાન તરીકે ચૂંટાયો…
બીએમસીમાં કુલ ૨૨૭ સીટ છે. ગત ચૂંટણીના પરિણામોમાં શિવસેના પાસે સૌથી વધુ ૮૪ નગરસેવકો હતા, તેની લગોલગ જ બીજેપી પાસે ૮૨ નગરસેવકો, તો કોંગ્રેસ પાસે ૩૧, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાસે ૯, મનસે ૭ અને ૧૪ અપક્ષ નગરસેવકો હતા. ત્યારબાદ પણ અમુક લોકોએ પાર્ટી બદલાવને કારણે અને પેટા ચૂંટણીઓ બાદ આ ચિત્ર સહેજ બદલાયું છે. હવે જો આવનાર ચૂંટણી ભાજપ એકલું લડે અને શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, કોંગ્રેસ સાથે લડે અથવા જો બધા જ પક્ષો સ્વતંત્ર રીતે લડે તેના ખૂબ જ મોટા રાજનૈતિક સમીકરણો છે.
આવી પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું છે કે ૨૦૨૨ની મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી કોંગ્રેસ એકલી લડશે. નાના પટોલે ઉમેર્યું હતું કે હવે પછીની વિધાનસભાની ચૂંટણી પણ કોંગ્રેસ પોતાના દમ ઉપર લડશે.