ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧
મંગળવાર
મુંબઈમાં આવતા વર્ષે થનારી પાલિકાની ચૂંટણીઓ પૂર્વે, શહેરમાં રસીકરણ કેન્દ્રો રાજકીય પક્ષોનાં અભિયાન કેન્દ્રોમાં ફેરવાયાં છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હવે આ બાબતે સફાળી જાગી ગઈ છે અને ફરી ચેતવણી આપી છે અને રસીકરણ ડ્રાઇવ, કેન્દ્રો પર રાજકીય બૅનરો અથવા પોસ્ટરો પર પ્રતિબંધ લગાવવા અંગે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કોઈને નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવામાં આવે તો રસીકરણ કેન્દ્રનું લાઇસન્સ રદ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
પાલિકાએ સોમવારે શહેરમાં રસીકરણ ડ્રાઇવ માટેની માર્ગદર્શિકા સંદર્ભે એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને કહ્યું હતું કે, “મહાનગરપાલિકા, સરકારી અથવા ખાનગી રસીકરણ કેન્દ્રો તેમ જ રસીકરણ કેન્દ્રો પર કોઈ રાજકીય બિલબોર્ડ, પોસ્ટરો, બૅનરો, હોર્ડિંગ્સ લગાવવામાં ન આવે. કાર્યસ્થળોએ આવા રાજકીય લાભ માટે અયોગ્ય જાહેરાતો કરવી યોગ્ય નથી.” BMCએ ચેતવણી આપી છે કે ઉપરોક્ત માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતાં રસીકરણ કેન્દ્રની માન્યતા પાછી ખેંચવામાં આવશે અને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શિવસેનાની બહુમતીવાળી મુંબઈ મહાનગરપાલિકાની આ નવી ગાઇડલાઇન વચ્ચે આજે આદિત્ય ઠાકરે વિલે પાર્લે શિવસેના અને મંગલ ચૅરિટેબલ ટ્રસ્ટ વતી, શરૂ થયેલા ૧૮થી વધુ વયના લોકો માટે નિ:શુલ્ક રસીકરણ અભિયાનના ઉદ્ઘાટનમાં ગયા હતા. જ્યાં શિવસેનાના બૅનરો દેખાતાં હતાં. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગની પણ ઐસી-તૈસી થઈ હતી. આદિત્ય ઠાકરેએ પોતે આ ફોટોસ ટ્વીટ કર્યા હતા.