ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ મે ૨૦૨૧
સોમવાર
કોરોના મહામારીના કપરા કાળ વચ્ચે અતિવૃષ્ટિ થતાં હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. વાશીની એપીએમસી બજારમાં શાકભાજીના ભાવમાં ૧૫-૨૦ ટકાનો વધારો નોંધાયો છે, તો બીજી તરફ છૂટક બજારમાં શાકભાજી ૩૦-૪૦ ટકા વધુ ભાવે વેચાઈ રહ્યાં છે.
મુંબઈના દરેક વિસ્તારમાં શાકભાજીના ભાવ જુદાજુદા છે. સાંતાક્રુઝ, દાદર, પરેલ, લાલબાગ, સાકીનાકા અને દક્ષિણ મુંબઈમાં શાકભાજી થોડા અંશે મોંઘાં છે. કુર્લા, ગોવંડી, ગોરેગાંવ અને અન્ય વિસ્તારોમાં દર પ્રમાણમાં ઓછો છે. વાશી એપીએમસી માર્કેટના સંચાલક શંકર પિંગળેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “ચારથી પાંચ દિવસમાં શાકભાજીના ભાવમાં ૧૫-૨૦ ટકાનો વધારો થયો છે. કમોસમી વરસાદ અને ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે રિટેલ માર્કેટમાં એની મોટી અસર જોવા મળે છે.”
તેમણે ઉમેર્યું હતું કે “જથ્થાબંધ બજારમાંથી પસાર થતી ચીજો ઘણીવાર બગડે છે અથવા બરબાદ થાય છે. એથી તે ૩૦-૪૦ ટકા વધુ દરે વેચાય છે. અગાઉ જે વસ્તુના ભાવ પાંચથી દસ રૂપિયા હતા. હવે એ ૧૦થી ૨૦ રૂપિયા વચ્ચે છે.”
કેવો અજબ કારભાર : દાદરનો એક સ્થાનિક ગુંડો વેપારીઓ અને ફેરિયાઓ પાસેથી હપતા વસૂલ કરીને કરોડપતિ બની ગયો
ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવમાં વધારાના કારણે પણ શાકભાજીના ભાવ વધ્યા છે. લૉકડાઉનને કારણે લોકોના રોજગાર છીનવાયા છે. એવામાં આ ભાવવધારાને કારણે સામાન્ય વર્ગે ભારે હાલાકી અને આર્થિક ભીંસનો સામનો કરવો પડશે.