ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
કોરોના અને તેના વેરિયન્ટ ઓમાઈક્રોને મુંબઈમાં ફરી માથુ ઉંચક્યુ છે. તેથી મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ જવાની શકયતા છે. આ મોકાનો મુંબઈ મહાનગરપાલિકાની સત્તાધારી પાર્ટી ફાયદો ઉઠાવી માગતી હોવાનું જણાઈ આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લગભગ બે હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવ મંજૂરી માટે મૂકવામાં આવ્યા છે. આ પ્રસ્તાવમાં નદીના શુદ્ધીકરણ, પાણી પુરવઠો અને સીવરેજ લાઈનના મુખ્યત્વે પ્રસ્તાવ મુકવામાં આવ્યા છે.
માર્ચ 2022માં મુંબઈ મહાનગરપાલિકાની મુદત પૂરી થવાની છે. તેથી તે પહેલા એટલે કે ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની હતી. જોકે મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેથી હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી લાંબા સમયથી રખડી પડેલા પ્રોજેક્ટને ફરી ચાલુ કરવાની શિવસેનાને તક મળી છે.
જેમાં મુખ્યત્વે બગીચા, મેદાન, ટ્રાન્સપોર્ટ બેટની સારસંભાળ માટેના 68 કરોડ રૂપિયાના પ્રસ્તાવ છે. પૂર પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. જેમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાણીની પાઈપલાઈનની ક્ષમતા વધારવાની સાથે જ નવી પાઈપલાઈન નાખવાનો પ્રસ્તાવ છે. હિંદમાતામાં પૂરજનક પરિસ્થિત ટાળવા માટે દાદર(પૂર્વ)માં પ્રમોદ મહાજન ઉદ્યાનમાં અંડરગ્રાઉન્ડ ટાંકી બાંધવામાં આવી રહી છે, જેમાં હવે બીજી ટાંકી બાંધવા માટે 27 કરોડ 76 લાખનો ખર્ચ થવાનો છે . તેવા ત્રણ પ્રસ્તાવ પાછળ 19 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
પશ્ર્ચિમ ઉપનગરમાં પાણી પુરવઠો સુધારવા માટે પાઈપલાઈન બદલવામાં આવવાની છે. તે માટે 79 કરોડ 99 લાખનો ખર્ચ થશે. ભાયખલા, મુંબાદેવી, ગિરગામમાં પાણી પુરવઠો સુધારવા માટે રિઝવિયર બાંધવામાં આવવાનું છે. પંપિગની ક્ષમતા પણ સુધારવામાં આવવાની છે. તે માટે 81 કરોડનો ખર્ચ થવાનો છે.
મુંબઈ મનપા એટલે શિવસેના માટે કમાણીનું સાધનઃ ભાજપના આ નેતાએ કરી ફરી ઉદ્ધવ ઠાકરેની ટીકા.
અહીં ઉલ્લેખનીય છે કોવિડ મહામારી દરમિયાન વિકાસના તમામ કામ ઠપ્પ હતા. પરંતુ હવે ચૂંટણી નજીક આવી હોવાથી છેલ્લા બે અઠવાડિયામાં ચાર હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યા છે.