ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જુલાઈ 2021
મંગળવાર
લોકલ ટ્રેનમાં દરવાજા પાસે ઊભા રહીને મોબાઇલ પર વાત કરતાં પ્રવાસ કરવું જીવ માટે જોખમી બની શકે છે. દરવાજા પાસે ઊભા રહેનારા અનેક પ્રવાસીઓ ફટકા ગૅન્ગનો ભોગ બની ચૂક્યા છે. જેને રોકવામાં રેલવે પ્રશાસન સરિયામ નિષ્ફળ ગયું છે. આ ગૅન્ગ દરવાજા પાસે ઊભા રહેલા પ્રવાસીના પગ પર અથવા હાથ પર ફટકો મારીને મોબાઇલ અને બૅગ છીનવી લેતી હોય છે. છેલ્લાં અઢી વર્ષમાં આ ગૅન્ગ સામે 590 ગુના દાખલ થયા છે.
2019ની સાલથી અત્યાર સધીમાં આ ગૅન્ગનો જબરો આતંક જોવા મળ્યો છે. અત્યાર સુધી તેમની સામે મુંબઈ રેલવેની હદમાં 590 ગુના દાખલ થયા છે. એમાંથી ફક્ત 50 કેસ સૉલ્વ કરવામાં રેલવે પોલીસને સફળતા મળી છે, જેમાં અત્યાર સુધી માત્ર 66 લોકોને જ પકડી શકાયા છે.
અમુક વખતે લોકલ ટ્રેનમાં રહેલી ભીડને કારણે તો અમુક સમયે ખાલી ટ્રેન હોવા છતાં દરવાજા પાસે ઊભા રહીને લોકો પ્રવાસ કરતા હોય છે. ફટકા ગૅન્ગ દરવાજા પર ઊભા રહેલા લોકોના હાથ પર અને પગ પર લાકડીથી ફટકો મારતી હોય છે, જેથી પ્રવાસીના હાથમાં રહેલો મોબાઇલ અથવા બૅગ પડી જાય છે. એ લઈને આ ગૅન્ગના માણસો ભાગી છૂટતા હોય છે. મોટા ભાગના સાંજના સમયે જ આ ટોળકી કામ કરતી હોય છે. રેલવે ટ્રેક પર તેઓ છુપાઈને ઊભા હોય છે.
2019ની સાલમાં આ ગૅન્ગ સામે 513 ગુના નોંધાયા હતા, એમાંથી 40 ગુનાની તપાસ કરવામાં આવી હતી. 50 આરોપીની ધરપકડ થઈ હતી. 2020ની સાલમાં જાન્યુઆરીથી માર્ચ સુધી જ ટ્રેન ચાલુ હતી. મે મહિનાથી ટ્રેન બંધ હતી. જૂનમાં ફરી ચાલુ થઈ હતી. જોકે કેસમાં જૂન બાદ ઘટાડો થયો હતો.