ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
રેલવે વિભાગે લોકોને ટિકિટ સાથે ટ્રાવેલ કરવાની છૂટ આપી. આ ટિકિટનો અર્થ સામાન્ય લોકોની ભાષામાં દૈનિક ટિકિટ થાય છે, પરંતુ રેલવે વિભાગની ભાષામાં માસિક પાસને પણ ટિકિટ કહેવામાં આવે છે. અલબત્ત, આ માટે સિઝન ટિકિટ એવા શબ્દોનો ઉપયોગ કરે છે. પાસ જેવી કોઈ પણ વ્યવસ્થા રેલવેની પરિભાષામાં નથી. આ કારણથી દશેરાના દિવસે સોશિયલ મીડિયા પર ગેરસમજ ફેલાઈ હતી.
રેલવેની સિઝન ટિકિટ એટલે શું? સામાન્ય રીતે એનો મતલબ આપણે દૈનિક પ્રવાસ કરવા માટેની ટિકિટ સમજીએ છીએ, પરંતુ રેલવેના હિસાબે સિઝન ટિકિટ એટલે મન્થલી સિઝન ટિકિટ. સાદી ભાષામાં કહીએ તો મન્થલી રેલવે પાસ.
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા રેલવે હવે સિઝન ટિકિટ પણ આપશે એવો મૅસેજ શુક્રવારે સોશિયલ મીડિયામાં ફરી વળ્યો હતો. એને પગલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા ઇચ્છુકોને દૈનિક ટિકિટ પણ મળશે એવી ગેરસમજ ફેલાઈ હતી. આવો મૅસેજ ફરી વળતાં છેવટે રેલવે પ્રશાસનને સ્પષ્ટતા કરવી પડી હતી કે વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને ફક્ત માસિક સિઝન ટિકિટ જ મળશે. એટલે કે સિઝન પાસ જ મળશે. દૈનિક પ્રવાસ કરવા માટેની ટિકિટ આપવા બાબતે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
ઇંધણના ભાવ ભડકે બળ્યા, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલટાઇમ હાઇ; મુંબઈમાં પેટ્રોલ 110ને પાર
કોરોનાના કેસ ઘટ્યા બાદ લોકલની ટિકિટ આપવામાં આવશે એવો પત્ર રેલવેના ડિવિઝનલ રેલવે મૅનેજર (DRM) દ્વારા આપવામાં આવ્યો હતો. આ પત્ર બધે ફરી વળતાં તમામ લોકોને ટ્રેનમાં પ્રવાસની છૂટ મળી હોવાનો મૅસેજ સોશિયલ મીડિયા પર ફરી વળ્યો હતો. જોકે ગણતરીના કલાકોમાં જ રેલવેના ચીફ PROએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે પત્રમાં લખેલા ટિકિટ શબ્દોનો અર્થ માસિક સિઝન ટિકિટ એવો થાય છે.
રેલવેના PRO શિવાજી સુથારના કહેવા મુજબ રેલવે પ્રશાસન રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ કામ કરી રહી છે. રસીકરણ પૂરું થયું હોય એના 14 દિવસ બાદ જ નાગરિકોને માસિક પાસ આપવામાં આવશે. સામાન્ય ટિકિટ આપવાની મંજૂરી હજી મળી નથી. એથી લોકોએ માસિક પાસ સાથે જ પ્રવાસ કરવાનો રહેશે.
રેલવેના આ નિર્ણયથી જોકે હજારો નાગરિકોને નિરાશ થવું પડ્યું હતું. રેલવે સત્તાવાર રીતે દૈનિક ટિકિટ નથી આપી રહી. છતાં લોકલ ટ્રેનમાં વગર ટિકિટે પ્રવાસ કરનારાઓની સંખ્યા વધી ગઈ હોવાનું ટ્રેનમાં ઊમટી રહેલી ભીડથી જણાઈ રહ્યું છે.