ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
10 ફ્રેબ્રુઆરી 2021
શ્રી રામ જન્મભૂમિ નિર્માણ માટે ફંડ ફાળો ઉઘરાવવા નું કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે. આખા દેશમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું જેની શરૂઆત ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ પાસેથી ફાળો લઈને કરવામાં આવી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવકો તેમ જ વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ ની ભગીની સંસ્થાઓ દ્વારા સંયુક્ત રૂપે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જોકે સંઘનો આ કાર્યક્રમ ફંડ ફાળો ઉઘરાવવા કરતા જનસંપર્ક વધારવાના કાર્યક્રમ તરફ વધુ પ્રગતિ કરી રહ્યો છે.
આ વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ માટે સંઘ દ્વારા અનેક સ્તર પર કમિટીઓ અને સમિતિઓ બનાવાઇ છે. ઓશિવરા, માર્વે, બોરીવલી, દિંડોશી, દહિસર જેવા અનેક ભાગમાં સંખ્યાબંધ નાની ટુકડીઓ બનાવવામાં આવી છે. આ તમામ ટુકડીઓ દર સપ્તાહે તેમજ સમયાંતરે મીટીંગ ના માધ્યમથી પોતાનો અહેવાલ વરિષ્ઠો સામે રજૂ કરે છે. સંઘ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સંકલ્પના મુજબ પ્રત્યેક ઘરે રામમંદિરનો સંદેશ વ્યક્તિગત રીતે પહોંચાડવો તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી ઉત્તર મુંબઈમાં પચાસ હજાર પરિવારોનો સંપર્ક થઈ ચૂક્યો છે. તેમની પાસેથી ૭૫ લાખ રૂપિયા જેટલી રકમ ભેગી થઈ ચૂકી છે. આ કામ માટે 2000 કાર્યકર્તાઓ સંપૂર્ણ સમર્પિત રીતે કામ કરી રહ્યા છે.
અનેક સ્વયંસેવકોએ જણાવ્યું કે ઘરે ઘરે જવાના અભિયાનમાં તેમને મજા પડી ગઈ છે. એક સમયે તમામ સ્વયંસેવક જનચેતના માટે રામ મંદિર ના કાજે લોકોના ઘરે ઘરે ફરી વળ્યા હતા. હવે જ્યારે રામ મંદિર નો કેસ જીતી લેવાયો છે અને લોકો આ જીત સંદર્ભે ગર્વ અનુભવી રહ્યા છે ત્યારે લોકો સાથે આ જીત સંદર્ભે ચર્ચા કરવાની મજા પડી જાય છે.
દરેક પ્રભાગ માં સ્વયંસેવકોને સૂચના આપવામાં આવી છે કે પોતાના અનુભવોને મિટિંગમાં પ્રસ્તુત કરવામાં આવે. આ ઉપરાંત વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા તેમ જ અન્ય સંસ્થાઓ થકી રામ જન્મભૂમિ સંદર્ભે લોકોની દિલચસ્પ પ્રતિક્રિયાને મીડિયા સુધી પહોંચાડવામાં આવે છે. આમ રામ મંદિર અભિયાન સ્વયંસેવકોને આનંદ પમાડે છે જ્યારે કે વ્યાપક જનસંપર્ક ને કારણે રામ જન્મભૂમિ મોહિમ વધુ વ્યાપક રીતે મજબૂત થઈ રહી છે.
રામ મંદિર અભિયાનમાં નેતાઓએ પણ પોતાનો ફાળો આપ્યો છે. દહીસર ની ધારાસભ્ય મનીષા ચૌધરીએ ૧૨૧૦૦૦, કાંદિવલીના ધારાસભ્ય અતુલ ભાખલકરે 111000, કાર સેવક તરીકે ફરજ બજાવી ચૂકેલા ધારાસભ્ય યોગેશ સાગર એ એક લાખ, બોરીવલી ના ધારાસભ્ય સુનિલ રાણે એ 111000, સાંસદ સભ્ય ગોપાળ શેટ્ટીએ 111111 નું ડોનેશન આપ્યું છે. ઉત્તર મુંબઈથી શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ સુર્વે અત્યાર સુધી કોઈ ફાળો નોંધાવ્યો નથી. આ સંદર્ભે પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે તેમના સુધી કોઇ ફંડ લેવા માટે અત્યાર સુધી આવ્યું જ નથી. આ ઉપરાંત ધારાસભ્ય સુનિલ રાણે અને વિદ્યા ઠાકુરે જણાવ્યું કે ફંડ ફાળો ભેગો થાય તે તેમની વ્યક્તિગત જવાબદારી છે અને આથી તેઓ પોતે આ કામ પ્રત્યે વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે.