News Continuous Bureau | Mumbai
કોવિડ મહામારીથી બહાર નીકળ્યા બાદ અર્થતંત્રની ગાડી પાટા પર દોડવા માંડી છે, જેમાં આવકનો મુખ્ય સ્ત્રોત કહેવાતા પ્રોપર્ટી ટૅક્સ થકી ૨૦૨૧-૨૨ના આર્થિક વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાને ૫,૭૯૨ કરોડ રૂપિયાની વિક્રમી આવક થઈ છે. ગયા આર્થિક વર્ષની સરખામણીમાં આ રકમ ૭૦૦ કરોડ વધુ છે.
પહેલી જાન્યુઆરી, ૨૦૨૨થી પાંચસો ચોરસ ફૂટ સુધીના રહેણાક ઘરમાં પ્રોપર્ટી ટૅક્સમાં છૂટ આપવામાં આવી છે. તેથી પાલિકાની તિજોરી પર આવેલા આર્થિક ભાર ભરી કાઢવામાં પાલિકાના અસેસમેન્ટ અને કલેકશન ખાતાને સફળતા મળી છે.
પાલિકાને ૨૦૨૦-૨૧ના આર્થિક વર્ષમાં ૫,૦૯૪ કરોડ રૂપિયાની આવક જમા થઈ હતી. વર્ષ ૨૦૨૧-૨૨માં ૫,૪૦૦ કરોડ રૂપિયાની અપેક્ષિત આવક સામે ૫,૭૯૨ કરોડ રૂપિયા જમા થયા છે. નાણાકીય વર્ષના છેલ્લા દિવસે એટલે કે ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પાંચસો કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં જમા થયા છે.
આ સમાચાર પણ વાંચો : પ્રભાકર સાઈલના મૃત્યુને શંકાસ્પદ ગણાવીને NCPએ કરી આ માંગણી, જાણો વિગતે
ગયા આર્થિક વર્ષની સરખામણીમાં પ્રોપર્ટી ટૅક્સની ઉત્પન્ન ૧૩.૭૭ ટકાથી વધી ગઈ છે. મુંબઈના ૨૪ વોર્ડમાંથી ત્રણ વોર્ડે ગયા વર્ષની સરખામણીમાં ૩૦ ટકાથી વધુ પ્રોપર્ટી ટૅક્સ વસૂલ્યો છે. સૌથી આગળ જી-દક્ષિણ (વરલી, પ્રભાદેવી)માં સૌથી વધુ ૩૪.૩૪ ટકા વસૂલી કરવામાં આવી છે. ત્યાર બાદ એફ-ઉત્તર (સાયન, માટુંગા)માં ૩૨.૯૨ ટકા અને પી-દક્ષિણ વોર્ડ (ગોરેગામ)માં ૩૩.૭૧ ટકા પ્રોપર્ટી ટૅક્સની વસૂલી થઈ છે. સરકારી માલમતા પાસેથી ગયા આર્થિક વર્ષમાં બે કરોડ એક લાખ રૂપિયાની વસૂલ કરવામાં આવ્યા હતા, તેની સામે આ વર્ષે ૩.૮૦ કરોડ રૂપિયાનો કર વસૂલ કરવામાં આવ્યો છે.
પાલિકાના અસેસમેન્ટ ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ મુંબઈમાંથી ૧,૭૫૮.૨૦ કરોડ રૂપિયા, પૂર્વ ઉપનગરમાંથી ૧,૧૮૮.૧૬ કરોડ રૂપિયા અને પશ્ચિમ ઉપનગરમાંથી ૨,૮૪૦.૦૪ કરોડ રૂપિયા પ્રોપર્ટી ટેક્સના જમા થયા છે.