ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021
ગુરુવાર.
પશ્ર્ચિમ રેલવેના મહત્વના ગણાતા બોરીવલી રેલવે સ્ટેશનની બહુ જલદી કાયાપલટ થવાની છે. રોજના 3 લાખથી પણ વધુ પ્રવાસીઓની સંખ્યા ધરાવતા બોરીવલીમાં દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેની સામે સુવિધાઓ અપર્યાપ્ત જણાય છે. તેથી સમગ્ર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરવાનો નિર્ણય ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશને લીધો છે. જેમાં પાર્કિંગની સુવિધાની સાથે જ સ્ટેશનને હેન્ડીકેપ ફ્રેન્ડલી બનાવવામાં આવશે એવું કહેવાય છે.
છેલ્લા થોડા વર્ષોમાં પશ્ર્ચિમ રેલવેના મોટાભાગના સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સમયમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. 2017-18માં બોરીવલી સ્ટેશન પર રોજના સરેરાશ બે લાખ 93 હજાર પ્રવાસીઓ અવરજવર કરતા હતા. તે હવે વધીને 3 લાખને પાર કરી ગઈ છે. દિવસેને દિવસે બોરીવલીમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેની સામે જોકે રેલવે પ્રશાસન દ્વારા બોરીવલી સ્ટેશન પર અનેક સુવિધાઓ પણ વધારવામાં આવી છે. જેમાં ફૂટઓવર બ્રિજ, લિફ્ટ, એસ્કેલેટર વગેરેનો સમાવેશ થાય છે. હાલ બોરીવલીમાં 10 પ્લેટફોર્મ છે. પાંચ પુલ, સાત એસ્કેલેટર અને સાત લિફ્ટ છે. હવે વધુ 3 એસ્કેલેટર બેસાડવામાં આવવાના છે. ફૂટઓવર બ્રિજને સ્કાયવોક સાથે જોડવામાં પણ આવ્યા છે. છતા વધતા પ્રવાસીઓ સામે આ સુવિધા અપૂરતી જણાઈ રહી છે.
તેથી બોરીવલી રેલવે સ્ટેશનના પૂર્વ અને પશ્ર્ચિમમાં રેલવેની હદમાં વધુ વિકાસલક્ષી કામ કરી શકાય કે તેનો અભ્યાસ ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિસનની માફક બોરીવલી રેલવે સ્ટેશનનો વિકાસ કરવા બાબતે રેલવે પ્રશાસન વિચાર કરી રહી છે. તે માટે સલાહકાર નીમવામાં આવવાનો છે. સ્ટેશનના પરિસરમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ સ્ટેશન દિવ્યાંગોને અનુરૂપ બનાવવા તથા આવવા-જવા માટે અલગ માર્ગ, રેલવે પરિસરમાં મોલ જેવી સુવિધા ઉપલબ્ધ કરવાની યોજના છે.