ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈ મહાનગરપાલિકાએ હાઉસિંગ સોસાયટીઓને તેમના પરિસરમાં ખાનગી હૉસ્પિટલની મદદથી વેક્સિનેશનની મંજૂરી આપી છે, ત્યારે મુંબઈના પશ્ચિમ પરાના કાંદિવલીમાં આવેલી હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં રાખવામાં આવેલા વેક્સિનેશન કૅમ્પમાં સોસાયટીના સભ્યો સાથે વેક્સિનના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો.
કાંદિવલીની આ સોસાયટીમાં 30 મેના રોજ વેક્સિનેશન કૅમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં સોસાયટીના 390 જેટલા મેમ્બરોએ વેક્સિન લીધી હતી. વેક્સિન લીધા બાદ જોકે મોટા ભાગના લોકોને તાવ સહિત શરીરમાં દુખાવા જેવી અન્ય કોઈ ફરિયાદ થઈ નહોતી. સામાન્ય સંજોગોમાં વેક્સિન લીધા બાદ આવી સમસ્યા થવી જોઈએ. એથી ખરેખર તેઓને વેક્સિન આપવામાં આવી હતી કે નહીં એવી શંકા તેમના મનમાં થઈ હતી. છતાં સોસાયટીના સભ્યોએ પહેલા ડોઝના સર્ટિફિકેટની રાહ જોવાનો નિર્ણય લીધો હતો. જોકે એમાં પણ વિલંબ થઈ રહ્યો હતો. આઠેક દિવસ બાદ સોસાયટીના સભ્યોને સર્ટિફિકેટ તો મળ્યું હતું, પરંતુ મોટા ભાગના સભ્યોને અલગ-અલગ હૉસ્પિટલમાંથી ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટમાં લખવામાં આવ્યું હતું. એથી વેક્સિનેશનમાં ગડબડ હોવાની શંકા સાચી ઠરી હતી.
આ દરમિયાન જે હૉસ્પિટલોમાંથી સર્ટિફિકેટ મળ્યાં હતાં, ત્યાં સોસાયટીના સભ્યોએ તપાસ કરતાં તેઓએ 30 મેના રોજ કોઈ વેક્સિનેશન કૅમ્પ રાખ્યો ન હોવાનું ચોંકાવનારી વિગત બહાર આવી હતી. એથી સોસાયટીના સભ્યોએ તુરંત આ બાબતે કાંદિવલી (પશ્ચિમ)માં આવેલા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને વેક્સિન આપવામાં આવી એનું રજિસ્ટ્રેશન પણ કોવિન ઍપમાં કરવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં વેક્સિનના ભાવ વધુમાં વધુ 780 રૂપિયા સુધીનો છે. છતાં સોસાયટીના સભ્યો પાસેથી 1,260 રૂપિયા લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પણ તેમને તેની રસીદ પણ આપવામાં આવી નહોતી.
મુંબઈગરા માટે લોકલ ટ્રેનનો પ્રવાસ હજી દૂર; વિજય વડેટ્ટીવારે આપ્યું આ નિવેદન, જાણો વિગત
કાંદિવલી પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. પોલીસના કહેવા મુજબ આ સોસાયટીમાં ચારકોપની શિવમ્ હૉસ્પિટલે કૅમ્પ રાખ્યો હતો. જોકે હૉસ્પિટલના કહેવા મુજબ તેઓએ આવો કોઈ કૅમ્પ રાખ્યો જ નહોતો. એથી આ બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી છે.