ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર, 2021
બુધવાર
મુંબઇની જૂની ચાલીઓમાં વસતા લોકોને આજે પણ શૌચાલયની સમસ્યા છે. ઘરમાં શૌચાલય ન હોવાથી તેમને સાર્વજનિક શૌચાલયમાં જવું પડે છે. આ જાહેર શૌચાલયો કોરોના રોગનું સંક્રમણ ફેલાવી શકે છે. તેથી બધાના ઘરમાં શૌચાલય બાંધવા માટે પરવાનગી આપવા બાબતે મુંબઇ મહાનગર પાલિકા બહુ જલદી પોલીસી તૈયાર કરશે. એના માટે ડેવલેપમેન્ટ પ્લાનિંગ વિભાગ તથા ઇમારત પ્રસ્તાવ વિભાગના વિશેષ કક્ષને કાર્યવાહી શરૂ કરવાનો આદેશ પ્રશાસને આપ્યો છે.
મુંબઇના પરા અને શહેરી વિસ્તારમાં અનેક ભાગોમાં જૂની ચાલીઓમાં કોમન શૌચાલય હોય છે. હાલની પરિસ્થિતિમાં કુટુંબના સભ્યોની સંખ્યા વધારે હોય ત્યાં અગવડ થાય છે. ઉપરાંત સીનિયર સીટીઝનો માટે આવા જાહેર શૌચાલય કોવિડના સમયમાં હાનિકારક સાબિત થઈ શકે છે. આ વાતને આધારે જૂની ચાલીઓમાં દરેક માળાઓ પરના સાર્વજનિક શૌચાલય ધરાવતી ઇમારતોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરીને દરેકના ઘરમાં શૌચાલય બાંધવાની પરવાનગી આપવામાં આવે તેવા ઠરાવની સૂચના રજૂ કરવામાં આવી હતી. પાલિકાના સભાગૃહે આ પ્રસ્તાવને મંજૂર કર્યો હતો.
આ પ્રસ્તાવ પર સભાગૃહમાં પ્રશાસને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. સ્ટ્રક્ચરલ ઓડિટ કરીને જૂની ઇમારતોમાં દરેકના ઘરમાં શૌચાલય બાબતે પોલીસી તૈયાર કરવા પાલિકાએ વિકાસ નિયોજન વિભાગ અને બિલ્ડીંગ પ્રપોઝલ વિભાગને આદેશ આપવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.