ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જુલાઈ, 2021
ગુરુવાર
મુંબઈમાં કોરાનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે, પરંતુ છેલ્લા થોડા દિવસથી લોકોમાં શ્વાસતંત્રને લગતી બીમારી જોવા મળી રહી છે. એથી ફરી એક વખત મુંબઈગરામાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્વાસ લેવામાં થતી તકલીફ માટે કોરોના નહીં, પણ વાયરલ ફીવર જવાબદાર હોવાનું ડૉક્ટરોનું કહેવું છે.
સામાન્ય રીતે કફ, તાવ અને શરદી જેવાં લક્ષણો જણાતાં જ કોરોના માટેની RT-PCR ટેસ્ટ કરાવી લેવામાં આવતી હોય છે. જેથી કોરોના હોય તો એની તાત્કાલિક સારવાર ચાલુ કરી શકાય. ગયા વર્ષે ચોમાસા દરમિયાન જ લૉકડાઉન હોવાથી કોરાના સિવાયની અન્ય બીમારીના કેસ ઘટી ગયા હતા. જોકે હાલ કોરોનાની અસર ઓછી થઈ છે ત્યારે ડૉક્ટરોએ વાયરલ ફીવર સહિતની અન્ય બીમારીઓ પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું છે.
નિષ્ણાત ડૉક્ટરોના કહેવા મુજબ ચોમાસામાં વાયરલ ફીવર વગેરેના કેસ વધી જતા હોય છે. હાલ બાળકો અને પુખ્ત વયના લોકોમાં તાવ અને શ્વાસને લગતી તકલીફ જણાઈ રહી છે. જોકે એ તમામ કેસ કોરોનાના નથી હોતા, પરંતુ ચોમાસામાં સામાન્ય ગણાતા વાયરસને કારણે લોકોને શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો થઈ રહી છે. ખાસ કરીને બાળકોમાં છેલ્લા થોડા દિવસમાં એનું પ્રમાણ વધી ગયું છે.
આવાં લક્ષણો ધરાવતા કેસ આવે તો સામાન્ય રીતે પહેલા તો કોરોનાની જ ટેસ્ટ કરવામાં આવે છે, જે મોટે ભાગે નેગેટિવ આવે છે. બાદમાં RSV અથવા રેસપિરેટરી સિન્સિટિયલ વાયરસની ટેસ્ટ કરવામાં આવે છે. આ વાયરસનો ચેપ લાગ્યા બાદ ઠંડી લાગે છે. સામાન્ય રીતે બાળક અને વરિષ્ઠ નાગિરકોને એનું જોખમ વધારે હોય છે.