News Continuous Bureau | Mumbai
Digital Arrest Scam: મુંબઈમાં સાયબર ગુનેગારોએ ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે એક નિવૃત્ત અધિકારી સાથે ₹1.27 કરોડની માતબર છેતરપિંડી કરી છે. ઠગબાજોએ વૃદ્ધને મની લોન્ડરિંગ અને ગંભીર ગુનાઓમાં ફસાવવાની ધમકી આપીને માનસિક રીતે તોડી નાખ્યા હતા. મુંબઈ સાયબર પોલીસે આ કેસમાં ટેકનિકલ તપાસના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે ઠગબાજોને કમિશનના બદલે બેંક ખાતું પૂરું પાડતો હતો.
નકલી પોલીસ અને મની લોન્ડરિંગનો ભય
આ ઠગાઈની શરૂઆત એક અજાણ્યા ફોન કોલથી થઈ હતી. સામેવાળી વ્યક્તિએ બેંગલુરુ પોલીસના અધિકારી હોવાનો દાવો કર્યો હતો. ઠગબાજોએ વૃદ્ધને ડરાવ્યા હતા કે પકડાયેલા એક ગુનેગાર પાસેથી તમારી બેંક પાસબુક મળી છે અને તમારા નામે ₹75 લાખનું મની લોન્ડરિંગ થયું છે. આટલું જ નહીં, વૃદ્ધને વિશ્વાસ અપાવવા માટે આરોપીએ પોલીસ યુનિફોર્મપહેરીને વીડિયો કોલ કર્યો હતો અને નકલી ધરપકડ વોરંટ બતાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Update: વેસ્ટર્ન લાઇન પર દોડશે વધુ 4 નવી લોકલ ટ્રેન! આવતીકાલથી અમલી બનશે નવું ટાઈમ ટેબલ; જાણો કયા સ્ટેશનોને થશે મોટો ફાયદો
રૂમમાં ‘ડિજિટલ’ કેદ અને FD તોડવા મજબૂર કર્યા
સાયબર ઠગોએ વૃદ્ધને એટલા હદ સુધી ડરાવ્યા હતા કે જો તેઓ કોઈને વાત કરશે તો પુત્રની નોકરી જતી રહેશે અને પરિવારને નુકસાન થશે. ડરના માર્યા વૃદ્ધ દિવસો સુધી રૂમમાં બંધ રહ્યા હતા. તપાસમાં સહકાર આપવાના નામે ઠગબાજોએ વૃદ્ધને તેમની તમામ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડવા મજબૂર કર્યા હતા. ‘વેરિફિકેશન’ પૂર્ણ થયા પછી પૈસા પરત કરવાની ખાતરી આપીને કુલ ₹1.27 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા.
સાયબર પોલીસની કાર્યવાહી અને આરોપીની ધરપકડ
ઘટનાની જાણ થતાં જ સાયબર પોલીસે જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેની વિગતો મેળવી હતી. આ તપાસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે કમિશનના બદલે ઠગબાજોને પોતાનું ખાતું વાપરવા આપતો હતો. પોલીસ હવે આ આંતરરાજ્ય સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારોને શોધી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’ કરતી નથી, તેથી આવા કોલથી સાવધ રહેવું.