ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરવાર
મુંબઈ સહિત રાજ્યમાં આઠથી બારમા ધોરણ સુધીની સ્કૂલ, કૉલેજ ચાલુ કરી દેવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓને રેલવેનો પાસ મળતો નહોવાથી તેઓ સ્કૂલ, કૉલેજ પહોંચી શકતા નથી. એથી મોટા ભાગના વર્ગો ખાલી જોવા મળી રહ્યા છે.
મુંબઈની મોટા ભાગની સ્કૂલ, કૉલેજની હાલત એવી જ છે. મુંબઈની કૉલેજમાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ કલ્યાણ, ડોંબિવલી, વસઈ-વિરાર જેવા દૂરનાં સ્થળોથી આવતા હોય છે. જોકે આ ઉંમરના લોકો વેક્સિન લેવાની શ્રેણીમાં આવતા નથી. એથી તેમને લોકલ ટ્રેનનો પાસ મળતો ન હોવાથી તેઓ શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. પ્રત્યક્ષ સ્કૂલ, કૉલેજ ચાલુ થવાથી ઑનલાઇન અભ્યાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેથી આ વિદ્યાર્થીઓના ભણતરને ભારે નુકસાન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને આવી રહેલી અડચણો બાબતે જુનિયર કૉલેજના તેમ જ સ્કૂલોના સંચાલકોએ શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડને સ્કૂલ ખૂલવા અગાઉ જ જાણ કરવામાં આવી હતી. જોકે હજી સુધી એના પર કોઈ નિર્ણય લેવાયો નથી. એથી છેવટે નુકસાન વિદ્યાર્થીઓના ભણતરને થઈ રહ્યું છે.