ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
કોરોના મહામારી ધીરે ધીરે નિયંત્રણમાં આવ્યા બાદ હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પણ ધીમે ધીમે સ્કૂલ રિઓપન થઈ છે. ત્યાં તો હવે સ્કૂલ બસના ભાડામાં વધારો થવાની શકયતાને પગલે વાલીઓની ચિંતા વધી ગઈ છે.
ડીઝલના ભાવમાં વધારો, કર્મચારીઓના પગારમાં વધારો તેમાં પાછુ સ્કૂલ બસો માત્ર 50 ટકા બેઠકની ક્ષમતા સાથે દોડી રહી છે, તેથી સ્કૂલ બસના ભાડા 30 ટકાનો વધારો થવાની શક્યતા છે.
રાજ્યમાં 24મી જાન્યુઆરીએ શાળાઓ શરૂ થઈ હતી. હવે 10મી ફેબ્રુઆરીથી બાળકોને શાળાએ લઈ જતી સ્કૂલ બસો પણ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જવાની છે. ત્યારે સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશને પ્રિ-સ્કૂલ બસના ચાર્જમાં 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારે સ્કૂલ બસો પરનો બે વર્ષનો રોડ ટેક્સ માફ કર્યો હોવા છતાં, સ્કૂલ બસ માલિકોના સંગઠને કહ્યું છે કે તે ભાડામાં 30 ટકાનો વધારો કરશે. તેની પાછળ કારણ એવું આપવામાં આવ્યું છે કે મોંઘવારી, ડીઝલના ભાવમાં વધારાની સાથે જ સ્કૂલ બસો તેની સિટીંગ કેપેસીટીની ક્ષમતાના ફક્ત 50 ટકા ક્ષમતા સાથે ચાલી રહી છે.
તેથી સ્કૂલ બસ દ્વારા શાળાએ જનારા બાળકોના વાલીઓએ 30% વધારાની ચૂકવવાની તૈયારી રાખવી પડશે. અહી ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લગભગ 44,000 અને મુંબઈમાં લગભગ 8,500 સ્કૂલ બસો છે. આ સ્કૂલ બસો છેલ્લા બે વર્ષથી બંધ પડી છે. સ્કૂલ બસ શરૂ થયા બાદ સ્કૂલ બસ ફરી શરૂ થતી હોવાથી મેન્ટેનન્સ સ્ટાફના વધતા પગારને ધ્યાનમાં રાખીને ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
 
			         
			         
                                                        