ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
સોમવાર ચોથી ઑક્ટોબરથી રાજ્યમાં સ્કૂલ ખોલી દેવામાં આવી છે. સ્કૂલ શરૂ થવાની સાથે જ દોઢ વર્ષ બાદ રસ્તા પર સ્કૂલ-બસ પણ દોડવા માંડી છે. જો સ્કૂલ-બસ માટે ટ્રાન્સપૉર્ટ કમિશનર ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો અને ઈંધણના વધેલા દરને પગલે સ્કૂલ-બસની ફીમાં બમણો વધારો કરવાનો નિર્ણય સ્કૂલની બસોના ઍસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો છે.
શાળાઓ તો ખૂલી પણ વિદ્યાર્થીઓ ક્યાં? મુંબઈમાં આટલા લાખ વિદ્યાર્થીઓ ગાયબ ; જાણો વિગત
નવા નિયમ મુજબ સ્કૂલ-બસની ક્ષમતાના ફક્ત 50 ટકા વિદ્યાર્થીઓને જ બસમાં મંજૂરી હશે. તેમ જ સ્કૂલ બસના ડ્રાઇવર અને કેરિયરોને કોરોના પ્રતિબંધક વેક્સિનના બંને ડોઝ લેવાનું ફરજિયાત રહેશે. એટલું જ નહીં પણ જો વિદ્યાર્થીઓ પાસે માસ્ક નહીં હોય તો તેને પૂરા પાડવાની જવાબદારી સ્કૂલ-બસના ડ્રાઇવરની હશે. માસ્ક, સેનિટાઇઝર સામે સ્કૂલ-બસવાળાનો વાંધો નથી, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી બંધ રહેલી સ્કૂલ બસના ટાયર અને પતરાં સડી જવાથી બસને ભારે નુકસાન થયું છે. એમાં પાછું બસમાં ફક્ત 50 ટકા વિદ્યાર્થીને મંજૂરી હોવાથી બસનો ટ્રાન્સપૉર્ટેશન ખર્ચ વસૂલ થશે નહીં. એથી બે વિદ્યાર્થીનો ખર્ચ એક વિદ્યાર્થી પાસે વસૂલ કરવા સિવાય તેમની પાસે કોઈ બીજો ઉપાય ન હોવાનું સ્કૂલ-બસ ઍસોસિયેશનવાળાઓએ દલીલ કરી છે.