ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
કોરોનાને પગલે ફેબ્રુઆરી 2022માં થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ જવાની શક્યતા છે. ચૂંટણી આયોગે પાલિકાની 2022માં નિયત સમયે ચૂંટણી કરવા મંજૂરી આપી દીધી છે, પરંતુ કોવિડ-19ના નિયમ અંતર્ગત નિયમોને ધ્યાનમાં રાખીને ચૂંટણી યોજવી અશક્ય જણાઈ રહી છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણા્વ્યા પ્રમાણે કોવિડ-19 પ્રોટોકોલ હેઠળ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હોય છે. એથી મતદાર કેન્દ્રને બમણી સંખ્યામાં વધારવાં પડશે. એની સાથે મનુષ્યબળ પણ બમણી સંખ્યામાં વધારવું પડશે. પાલિકાની ચૂંટણીમાં 70થી 80 ટકા કર્ચમારીને કામે લગાડવામાં આવે છે, પરંતુ હાલ પાલિકાના 30થી 40 ટકા કર્મચારી કોરોના સંબંધિત વેક્સિનેશનથી લઈને અન્ય કામમાં વ્યસ્ત છે. તેમ જ પાલિકાની ચૂંટણીમાં સરકારી કર્મચારીની મદદ લેવાતી નથી. ફક્ત પાલિકાના કર્મચારીઓ જ કામ સોંપવામાં આવતું હોય છે.
એ સિવાય ચૂંટણીમાં મોટા ભાગે મતદાન કેન્દ્ર તરીકે સ્કૂલ તથા સમાજ કલ્યાણ કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હાલ આ સ્થળોએ વેક્સિનેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. એથી પાલિકાએ મતદાન કેન્દ્ર માટે જગ્યા શોધવી પડશે. મતદાન કેન્દ્રની સંખ્યા પણ વધારવી પડશે. પાલિકાની સાથે જ પોલીસની સંખ્યા પણ વધારવી પડશે. આ સંજોગોમાં પાલિકાની ચૂંટણી કરવી મુશ્કેલ જણાઈ રહી છે.